ભાવિના પટેલને 3 કરોડ રૂપિયા આપવાની જાહેરાત, જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સ્કુલ અને ગામડાઓમાં રમતોના મેદાન તૈયાર અધધ રૂપિયા ફાળવ્યા

સોમવાર, 30 ઑગસ્ટ 2021 (10:53 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેરા ઓલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ રમતમાં સિલ્વર મેડલ જીતી દેશને ગૌરવ અપવાનારી દીકરી ભાવિના પટેલને અભિનંદન પાઠવ્યા છે. ગુજરાત ના મહેસાણાની આ દિવ્યાંગ દીકરી ભાવિના પટેલે પોતાના ખેલ કૌશલ્યથી ગુજરાત સહીત સમગ્ર ભારતને વિશ્વસ્તરે ગૌરવ અપાવ્યું છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત ભાવિના પટેલને પ્રોત્સાહન રૂપે 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. 
 
રવિવારે  ભાવિના પટેલે ટોક્યો ખાતે પેરા ટેબલ ટેનિસ રમતમાં વુમન સિંગલ ઇવેન્ટની ફાઇનલમાં મેચમાં રજત (સિલ્વર) મેડલ પ્રાપ્ત કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.  
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની દીકરીઓને  ભાવિના પટેલમાંથી પ્રેરણા મેળવી રમત-ગમત ક્ષેત્રે આગળ વધવાનો સંદેશ પણ પાઠવ્યો છે. તેમણે રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી ઘડી ગુજરાત અને દેશનું વિશ્વકક્ષાએ પ્રતિનિધિત્વ  પ્રતિભાવંત ખેલાડીઓ કરી શકે તે માટે અનેક વિધ યોજનાઓ થી સહાયરૂપ થવા રાજ્ય સરકાર સદાય તત્પર હોવાનું જણાવ્યું હતું. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં કહ્યું કે, ‘વ્યક્તિ સ્ત્રી-દીકરી હોય કે દિવ્યાંગ હોય મહેનત અને મનોબળથી ધારેલા લક્ષ્યાંકો પાર પાડી શકે છે’ તે વાત ગુજરાતની દિવ્યાંગ રમતવીરાંગના ભાવિના પટેલે પુરવાર કરી છે.    
 
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ જેવા આયોજનોને પ્રેરણા આપીને ગુજરાતના યુવાવર્ગને રમત-ગમત ક્ષેત્રે પ્રેરિત કરવાની સુદિર્ઘ નિતી-રિતી ગુજરાતને આપી છે જેના સુખદ પરિણામો હવે મળી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન, સહાય અને તાલીમ આપવાની રાજ્ય સરકારની નીતિનું આ પરિણામ છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન મુજબ આ વર્ષના  બજેટમાં રાજ્યના ૬ હજાર ગામડાઓમાં વિવિધ રમતો માટે મેદાન તૈયાર કરવા રૂ. ૩૦ કરોડ અને જીલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સ્કુલ બનાવવા માટે રૂ ૨૭ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. રાજ્યમાં સ્પોર્ટ્સનું વૈશ્વિકકક્ષાનું માળખું ઉભું કરી ગુજરાતને ઓલમ્પિક સ્પર્ધાઓના આયોજન કરવા સક્ષમ બનાવવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોમ્પિટ કરે તેવા રમતવીરો તૈયાર કરવાની સરકારની નેમ છે. 
 
રાજ્ય સરકારના આ સઘન પ્રયાસોને કારણે ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ૬૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યની છ ખેલાડીઓ ટોક્યો ખાતે ચાલી રહેલી ઓલિમ્પિક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. 
 
ટોક્યો ઓલમ્પિકમાં ત્રણ અને પેરાઓલમ્પિક ગેમમાં ત્રણ એમ ગુજરાતની એક સાથે છ મહિલા ખેલાડીઓની પસંદગી વૈશ્વિક રમત સ્પર્ધાઓમાં થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રોત્સાહક નિર્ણય ને પગલે ગુજરાતની તમામ છ દીકરીઓને પ્રત્યેકને રૂપિયા ૧૦ લાખની  સહાય ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા જતા પહેલા  પૂર્વ તૈયારીઓ માટે આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ પેરાલિમ્પિક કે દીવ્યાંગો માટેના સ્પેશિયલ ઓલમ્પિક રમતોમાં વિજેતા બની ગુજરાતને ગૌરવ અપાવનારા રાજ્યના દિવ્યાંગ ખેલાડીઓને પણ તેઓની સિદ્ધિ બદલ પ્રોત્સાહિત કરવાની  નીતિ અપનાવી છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં  સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પેરા ઓલિમ્પિક ગેમ્સમાં સુવર્ણ પદક જીતનારને રૂપિયા પાંચ કરોડ, રજત પદક વિજેતાને રૂપિયા ત્રણ કરોડ અને કાંસ્યપદક વિજેતાને રુપિયા બે કરોડ પ્રોત્સાહક ધન રાશિ દિવ્યાંગ ખેલ પ્રતિભા યોજના હેઠળ આપવાનો  નવતર  અભિગમ રમત ગમત વિભાગે શરુ કર્યો છે.ભાવિના પટેલને આ અંતર્ગત 3 કરોડ રૂપિયાની  પ્રોત્સાહક ધનરાશિ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 
 
ટોક્યો ઓલમ્પિક -૨૦૨૧ રમતો આ વર્ષે તા.ર૩મી જુલાઇ ૨૦૨૧થી તા. ૮ ઓગસ્ટ સુધી યોજાઈ હતી અને પેરા ઓલમ્પિક રમતો તા. ૨૪ ઓગસ્ટથી તા. ૫ સપ્ટેમ્બર સુધી જાપાનના ટોક્યો ખાતે યોજાઈ રહી છે. ગુજરાતની આ છ દીકરીઓ પૈકી સ્વિમિંગ રમતમાં માના પટેલ, શૂટિંગમાં એલાવેનીલ વાલારીવન, ટેનિસમાં અંકિતા રેના, પેરા ટેબલ ટેનિસમાં સોનલ પટેલ અને ભાવિના પટેલ તથા બેડમિન્ટન રમતમાં પારુલ પરમારે ટોક્યો ઓલમ્પિક 2021માં ભાગ લીધો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર