રાજ્યમાં અત્યારે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે આગામી તા. ૧ એપ્રિલ, શુક્રવારે સવારે ૧૧ વાગ્યે ધો. ૯ થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.
આ કાર્યક્રમનું સીધું પ્રસારણ દૂરદર્શન તેમજ યુ ટયુબ ચેનલ પર કરવામાં આવશે. પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તણાવનો અનુભવ કરી રહ્યાં હોય છે, ત્યારે પ્રધાનમંત્રી ચિંતામુક્ત થઇને શાંતિથી પરીક્ષા આપવા બાબતે માર્ગદર્શન કરશે.
આણંદ જિલ્લાના તમામ નાગરિકો, વાલીઓ અને જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓને આ કાર્યક્રમમાં સહભાગી થવા અને નિહાળેલ કાર્યક્રમ સંબંધી એક કે બે મીનીટીનો વીડિયો કે બે ફોટોગ્રાફસ જવાહર નવોદય વિદ્યાલયને મોકલી આપવા જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણના આચાર્ય ડૉ. વી. મુનીરામૈયાએ એક યાદી દ્વારા જણાવી આ કાર્યક્રમ અવશ્ય જોવા અપીલ કરી છે.