રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી પર પ્રતિબંધ લગાવવાની PIL સામે પતંગ ઉત્પાદકો પણ હાઇકોર્ટમાં, આજે વધુ સુનાવણી હાથ ધરાશે

Webdunia
શુક્રવાર, 8 જાન્યુઆરી 2021 (10:30 IST)
રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. ત્યારે ઉત્તરાયણની ખરીદી તેમજ પતંગ-દોરાની વેચાણ પર પ્રતિબંધની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં પક્ષકાર તરીકે જોડાવવા માટે ગુજરાતના પતંગ ઉત્પાદકોના એસોએસિએશને હાઇકોર્ટમાં પિટિશન કરી છે. તેમની માગણી છે કે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો લોકોની જીવાદોરીનો આધાર ઉત્તરાયણના તહેવારની ઉજવણી છે. તેથી હાઇકોર્ટે ઉજવણી કે પતંગ-દોરાના વેચાણ પર પ્રતિબંધ ન ફરમાવવો જોઇએ. કેસની વધુ સુનાવણી આજે હાથ ધરાશે.
 
ધ ગુજરાત પતંગ મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ એસોસિએશનની અરજદાર તરીકે રજૂઆત છે કે તેઓ પણ આ રિટમાં પક્ષકાર બની તેમનો પક્ષ રજૂ કરવા માગે છે. આ એસોસિએશન સાથે જોડાયેલા મોટાંભાગના વેપારીઓ અને કારીગરો ગરીબ વર્ગના છે. તેઓ સમગ્ર વર્ષ દરમિયાન પતંગના ઉત્પાદનની પ્રવૃત્તિમાં જોડાયેલા રહે છે, જેથી ઉત્તરાયણ પર રાજ્યભરના લોકોને પતંગ પહોંચાડી શકાય. આ લોકો દાયકાઓથી પતંગના વ્યવસાય સાથે જોડાયેલા છે અને આજીવિકાનો અન્ય કોઇ સ્ત્રોત નથી.
 
મૂળ જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ઉત્તરાયણ દરમિયાન મહામારી વકરે નહીં તે માટે 9થી ૧૭મી જાન્યુઆરી સુધી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવવો જોઇએ. આ ઉપરાંત લોકો પતંગ-દોરી ખરીદવા બજારોમાં ઉમટી ન પડે તે માટે પતંગ-દોરીના વેચાણ પર પણ પ્રતિબંધ હોવો જોઇએ. પતંગ ઉત્પાદકોની રજૂઆત છે કે જો આવો પ્રતિબંધ લાદવામાં આવશે તો સમગ્ર વર્ષ દરમિયાન તેમણે કરેલી મહેનત વ્યર્થ જશે અને તેમના જીવનનિર્વાહ પર ખૂબ જ વિપરિત અસર થશે. મૂળ અરજદારે કરેલી માગણી પતંગ ઉત્પાદકોના બંધારણી અધિકાર પર તરાપ સમાન હોવાની રજૂઆત પણ આ અરજદારો દ્વારા કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article