બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને ગુજરાત હાઈકોર્ટે લીલીઝંડી આપી દીધી

Webdunia
ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2019 (16:41 IST)
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને ગુજરાત હાઈકોર્ટે લીલીઝંડી આપી દીધી છે. હાઈકોર્ટે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી 4 ગણું વળતર આપવાની માગ ફગાવી દીધી છે. ખેડૂતોની માગણી હતી કે, વળતરની રકમ 2011 નક્કી કરેલા જંત્રી મુજબ નહીં પણ હાલ માર્કેટમાં ચાલી રહેલા જે તે વિસ્તારની જમીનના ભાવ પ્રમાણે હોવી જોઈએ. તેમજ વળતરની રકમ કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ ચૂકવવામાં આવે ગુજરાત રાજ્ય સરકારના જમીન સંપાદન કાયદા મુજબ નહીં.આમ હાઈકોર્ટના આ ચુકાદાને કારણે ખેડૂતોને બજાર કિંમત કરતા ઓછી રકમનું વળતર ચૂકવવામાં આવશે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના ડાયરેકટર મુજબ, ટ્રેનના રૂટ માટે ગુજરાતના 5300થી વધુ પ્લોટની જમીન સંપાદીત કરવામાં આવશે, જેમાં 2600 જેટલા પ્લોટ એટલે કે અડધી જમીન સંપાદિત થઈ ગઈ છે. બાકીની જમીન માટે કામગીરી ચાલુ છે. બુલેટ ટ્રેનનો સમગ્ર પ્રોજેકટ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. સાબરમતીથી મુંબઈ સુધીનું અંદાજીત ભાડું રૂ.3000 જેટલું હોય શકે છે. સિવિલ વર્ક માટે પણ આગામી મહિનામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ જશે. ચાર પાંચ મહિનામાં પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના ડાયરેકટર મુજબ, મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલથી અમદાવાદના સાબરમતી જંકશન સુધી દોડનારી બુલેટ ટ્રેનનો કુલ ખર્ચ 1 લાખ કરોડથી વધુ થશે. જેમાં જમીન સંપાદીત કરવા માટે રૂ. 17000 કરોડ ખર્ચવામાં આવ્યા છે. બુલેટ ટ્રેનના રૂટમાં ગુજરાતમાં 158 ગામોની જમીન સંપાદીત કરવામાં આવી છે, જેમાં માત્ર 15 ગામની જમીનમાં જ જંત્રીના ભાવને લઈ તકલીફ પડી છે. રૂટમાં આવતા નાન્દેજ ગેરતપુર પાસે આવેલા ONGCના 5 કૂવા ખસેડવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article