ગુજરાત રાજ્યમાં રિસાયકલ થઈ શકે તેવા પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરી શકાશે

Webdunia
સોમવાર, 19 ઑગસ્ટ 2019 (12:30 IST)
ગુજરાત રાજ્યમાં રિસાયકલ થઈ શકે તેવા પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરી શકાશે. રાજ્યના શહેર વિકાસ વિભાગે રાજ્યની તમામ પાલિકાઓને પ્લાસ્ટિકના વેચાણ-વપરાશ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપી છે. હવે રાજ્યમાં કોઈ પણ ઠેકાણે 50 માઇક્રોનથી ઓછું પ્લાસ્ટિક ધરાવતી થેલીઓ વાપરી શકાશે નહીં.

શહેરી વિકાસ વિભાગની સૂચનાના પગલે રાજ્યની પાલિકાઓએ ઠરાવ કરી તેમની સત્તાની રુહે આ આદેશનો અમલ કરાવવાનો રહેશે. પાલિકાઓ પોતાની સત્તાની રૂહે દંડની રકમની જોગવાઈ પણ કરી શકશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ 15મી ઑગસ્ટે લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનની જાહેરાત કરી હતી. વડા પ્રધાનના સ્વપ્ન સમા ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે હવે રાજ્ય સરકારે કમર કસી હોય તેવું જણાઈ રહ્યું છે.

સરકારે અન્ય એક નિર્ણય કરી અને ખુલ્લામાં પ્લાસ્ટિક નાખવા પર અને બાળવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરવાના કલેક્શન સેન્ટર ઉભા કરવાની જવાબદારી ઉત્પાદકો અને બ્રાન્ડ ઑનર્સની રહેશે. ગુજરાત સરકાર શહેરી વિસ્તારના વિકાસ કાર્યો માટે રૂપિયા 2 હજાર કરોડની ગ્રાન્ટ આપશે. નગરપાલિકા, મહાનગરપાલિકા અને શહેરી સત્તામંડળને રૂ. 2 હજાર કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે. શહેર સત્તા મંડળને આવતીકાલે નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરના ટાઉનહોલાં ચેક વિતરણ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article