ગુજરાત રાજ્યસભા ચૂંટણી મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, અલગ-અલગ તારીખે યોજાશે ચૂંટણી

મંગળવાર, 25 જૂન 2019 (16:14 IST)
ગુજરાતની બે સીટો માટે રાજ્યસભાની પેટાચૂંટણી એકસાથે કરાવવાના મુદ્દે કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાં રાહત ન મળી. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજીને નકારી કાઢી છે. હવે બંને સીટો પર અલગ-અલગ ચૂંટણી યોજાશે. કોર્ટે કહ્યું કે ચૂંટણીના નોટિફિકેશન જાહેર કર્યા બાદ કોર્ટ ચૂંટણીની પ્રક્રિયામાં દરમિયાનગિરી ન કરી શકે. ચૂંટણી પછી તમે ઇલેક્શન પિટિશન દાખલ કરી શકો છો. ચૂંટણી પંચે દિલ્હી હાઇકોર્ટ 2009ના સત્યપાઅલ મલિક મામલાના ચૂકાદાનો હવાલો આપ્યો છે જેમાં હાઇકોર્ટે કહ્યું હતું કે કેજુઅલ વેકેન્સીને અલગ-અલગ ચૂંટણીથી ભરવામાં આવશે. 
 
આ પહેલાં કોર્ટે 19 જૂનના રોજ ચૂંટણી કમિશનને નોટીસ ઇશ્યૂ કરી હતી. ચૂંટણી કમિશને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં અરજીના જવાબમાં કહ્યું હતું કે 1957 થી કમિશન રાજ્યસભાની બે અલગ-અલગ સીટો અલગ- અલગ ચૂંટણી કરાવતું આવ્યું છે અને દિલ્હી હાઇકોર્ટ તથા બોમ્બે હાઇકોર્ટે પણ ગત વર્ષે ચૂકાદો આપ્યો હતો જેમાં અલગ અલગ સીટો પર અલગ ચૂંટણી કરાવવાને યોગ્ય ગણાવ્યું હતું. 
 
ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને 2 સીટો માટે ચૂંટણી પંચના નોટિફીકેશને પડકાર ફેંક્યો હતો. તેમના દ્વારા અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની ખાલી સીટો પર એકસાથે ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. અરજીમાં કહ્યું હતું કે એક જ દિવસે બે સીટો પર અલગ-અલગ ચૂંટણી કરાવવી અસંવૈધાનિક અને સંવિધાનની ભાવના વિરૂદ્ધ છે. ગુજરાતમાંથી રાજ્યસભા માટે ખાલી પડેલી બે સીટો પર 5 જુલાઇના રોજ ચૂંટણી યોજાશે. 
 
 
જોકે ચૂંટણી પંચના નોટિફિકેશન અનુસાર અમિત શાહને લોકસભાની ચૂંટણી જીત્યા બાદ પ્રમાણપત્ર 23 મેના રોજ મળી ગયું હતું, જ્યારે સ્મૃતિ ઇરાનીને 24મેના રોજ મળી ગયું હતું. આ બંનેની ચૂંટણીમાં એક દિવસનું અંતર થઇ ગયું. તેના આધારે ચૂંટણી પંચે રાજ્ય સભાની સીટોને અલગ-અલગ ગણી છે, પરંતુ ચૂંટણી એક જ દિવસે થશે. આમ થતાં હવે બંને સીટો પર ભાજપને જીત મળી જશે. એકસાથે ચૂંટણી થાત તો કોંગ્રેસને એક સીટ મળી જાત. સંખ્યાબળના અનુસાર ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 61 વોટ જોઇએ. એક જ બેલેટ પર ચૂંટણીથી ઉમેદવારને એક વોટ આપી શકશે. આ સ્થિતિમાં કોંગ્રેસ એક સીટ સરળતાથી જીતી શકતી હતી, કારણ કે તેની પાસે 71 ધારાસભ્ય છે. 
 
પરંતુ ચૂંટણી કમિશનના નોટિફિકેશન અનુસાર ધારાસભ્ય અલગ-અલગ વોટ કરશે. એવામાં તેમને બે વખત વોટ કરવાની તક મળશે. આ પ્રકારે ભાજપના ધારાસભ્ય જેમની સંખ્યા 100થી વધુ છે તે બે વાર વોટ કરીને ઉમેદવારોને જીતાડી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર