ગુજરાતમાં ફેબ્રુઆરીમાં જ વિધાનસભાની ચૂંટણી થવાના ભણકારા, હરીફોને વધુ તક આપવી ભાજપ માટે નુકશાનકારક

Webdunia
શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (15:50 IST)
ગુજરાત સરકારની આગામી નવેમ્બર-2022 માં મૂદત થાય છે. પરંતુ ભાજપ દ્વારા અંદરખાને આગામી ફેબ્રુઆરી-2022માં જ ઉત્તર પ્રદેશ સાથે ગુજરાતની પણ ચુંટણી યોજી નાખવા તૈયારી ચાલી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં ભાજપના વિજય બાદ કોરોનાની બીજી લહેર દરમિયાન ઊભી થયેલી સંકટની સ્થિતિ બાદ પ્રજાનો મૂડ જાણવા માટે ભાજપે ખાનગી સર્વે કરાવ્યો હતો. જેમાં હાલની રાજકીય પરિસ્થિતિમાં વહેલી ચૂંટણી યોજવાની પણ એક વ્યૂહાત્મક ગણતરી પણ કરવામાં આવી હતી.

ભાજપના આંતરિક સર્વે દરમિયાન એવું પણ એક મુખ્ય તારણ બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે કે, આજની સ્થિતિમાં કોંગ્રેસમાં હજુ સંગઠન,સંકલન અને સક્રિયતાનો અભાવ દેખાય છે. કૉંગ્રેસ હજુ આંતરિક લડાઈમાં વ્યસ્ત છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ઝડપથી આગળ વધી રહી છે. પરંતુ જો વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માં સમયસર યોજવામાં આવે તો, ત્યાં સુધી આપ ગુજરાતમાં ફરી વળે અને ચોક્કસ નેતાઓ સાથે સંગઠન મજબૂત બનાવી દે તો ભાજપને વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ ની સાથે આમ આદમી પાર્ટીનો પણ મુકાબલો કરવો પડે તેમ જ છે, હાલ આપનું હજુ જોઈએ એટલું વર્ચસ્વ નથી કે નથી કોઈ મોટો ચેહરો જેના સહારે ચૂંટણી લડી શકે, જો આમ આદમી પાર્ટી ને તક આપવામાં આવે તો તે ભાજપ માટે નુકશાનકર્તા બની શકે છે. આમ, ગુજરાતમાં હાલ ભાજપના વિરોધી એવા કોંગ્રેસ અને આમ આદમીની પરિસ્થિતિ હજુ મજબૂત નથી, આવા સમયે જો ઉત્તરપ્રદેશ ની સાથે જ ફેબ્રુઆરીમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે તો ભાજપની જીત સરળ પણ બની શકે અને ભાજપ પ્રમુખ નો 150 થી વધુ બેઠકો મેળવવા નો ટાર્ગેટ પૂરો થઈ શકે છે.ગુજરાતમાં ચૂંટણીને હજુ દોઢ વર્ષનો સમય બાકી હોવા છતાં પણ ભાજપે ચૂંટણી લક્ષી કાર્યક્રમો અને સંગઠન ને મજબૂત બનાવવા ની તૈયારીઓ શરૂ કરી છે, ભાજપ સરકાર અને સંગઠન સાથે મળીને ચૂંટણી ની વ્યૂહરચના પણ ઘડી રહયા હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article