અમદાવાદ: ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે ઇલેકટ્રોનિક મીડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યુ હતુ કે, ૬ઠ્ઠીવાર વિધાનસભામાં, લોકસભામાં સતત બીજીવાર ૨૬ માંથી ૨૬ બેઠકો પર ભવ્ય લીડથી ભાજપને વિજ્ય બનાવ્યાં પછી આજરોજ જાહેર થયેલ જુનાગઢ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ, ગાંધીનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણી, ૫ જીલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓ, ૪૬ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓના પરિણામોમાં જનતા જનાર્દને ભાજપને જનસમર્થન, જનમન અને જનમત આપ્યો છે.
વૈશ્વિક નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘‘સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’’ ના મંત્રને અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સંગઠન નેતૃત્વને પ્રજાએ સ્વીકાર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં ચાલતી ભાજપ સરકારની પ્રજાલક્ષી કામગીરીને મંજૂરી મહોર મારી છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની આગેવાનીમાં ભાજપના સંગઠનના કાર્યકર્તાઓના પરીશ્રમનું આ પરીણામ છે.
ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, ભાજપા દ્વારા આજે તારીખ ૨૪ જુલાઇ, ૨૦૧૯ના રોજ જુનાગઢ ખાતે સવારે ૧૧.૦૦ કલાકે ગુજરાતની જનતાના વંદન-અભિનંદન માટે જનતા અભિવાદન કાર્યક્રમ યોજાશે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ભાજપાને સતત વિજય અપાવવા બદલ સમગ્ર ગુજરાતની જનતાને વંદન-અભિનંદન પાઠવશે.
જુનાગઢની મહાનગરપાલિકાની ૬૦ બેઠકોની સામાન્ય ચૂંટણીમાં ૫૯નાં પરીણામોમાં ભાજપની ૫૪ બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસ ને માત્ર ૦૧ બેઠક મળી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ૧ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપાનો વિજય થયો છે. જે અગાઉ કોંગ્રેસની હતી. ૦૫ જીલ્લા પંચાયત બેઠકો પેટાચૂંટણીઓમાં તમામ બેઠકો પર ભાજપા વિજયી થતા કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે જે અગાઉ કોંગ્રેસની ૪ જી.પં.સીટ હતી તથા ૪૬ તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણીઓમાં ભાજપાને ૩૬ બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર ૭ બેઠકો મળી.
આમ, કુલ ૧૧૧ બેઠકોમાંથી ૯૬ બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય થયો છે, જ્યારે કોંગ્રેસને માત્ર ૮ બેઠકો મળી છે. આમ, જીલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય કોંગ્રેસનો તમામ જગ્યાએ રકાસ થયો છે જ્યારે ભાજપાનો ભવ્ય વિજય થયો છે.