સૌરાષ્ટ્ર કચ્છની ધરતી છેલ્લા 10 દિવસથી અવિરત પણે ભૂકંપના આંચકાથી ધણધણી રહી છે. તેવામાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ આઠ આંચકા ધરતીકંપના નોંધાયા છે. ગત સપ્તાહના પ્રારંભથી જ ચોમાસુ પુરૂ થતા જ ધરતીના પેટાળમાં સખળ ડખલ શરૂ થતા અવિરત ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. તેમાં પણ જામનગર જીલ્લો તો ટાર્ગેટ પર આવી ગયો હોય તેમ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન 1.8થી 1.9 કીમી સુધીની ઉંડાઈ પર કેન્દ્રબીંદુ ધરાવતા અને 3.1 સુધીની તીવ્રતા વાળા વધુ ચાર આંચકા જામનગર જીલ્લામાં આવ્યા હતા. આ સિવાય પણ તાલાલા- સુરેન્દ્રનગર પંથકમાં એક એક અને કચ્છ પંથકમાં બે ધરતીકંપના હળવા આંચકા નોંધાયા હતા. જો કે તીવ્રતા ઓછી હોવાથી લોકોને અસર ઓછી થઈ હતી.