જામનગર શહેર જિલ્લાના અનેક લોકોના હૃદયને ધબકતું રાખનારા હૃદય રોગના નિષ્ણાત ડૉ. ગૌરવ ગાંધીનું વહેલી સવારે માત્ર ૪૧ વર્ષની યુવા વયે હૃદય થંભી જતાં જામનગરના તબીબી આલમમાં ભારે શોકની લાગણી છવાઇ છે, જ્યારે ડો. ગૌરાવ ગાંધી નો પરિવાર સ્તબ્ધ બની ગયો છે. જામનગરના સૌપ્રથમ કાર્ડિયોલોજીસ્ટ કહી શકાય એવા યુવા તબીબી કે જેઓ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ્ટ તરીકેની સેવા આપવા આવી રહ્યા હતા, જ્યારે તેઓ જામનગરની શારદા ક્રિટિકલ ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા હતા. જેઓ એ જામનગર શહેર જિલ્લાના અનેક હૃદય રોગના દર્દીઓનો હૃદયને ધબકતું રાખવા માટેના પ્રયત્નો કર્યા છે, તેમનું સવારે એકાએક હૃદય બંધ પડી ગયું હતું.
ડો. ગૌરવ ગાંધી કે જેઓ જામનગરમાં શરૂ સેક્શન રોડ પર સામ્રાજ્ય એપાર્ટમેન્ટના ત્રીજા માળે પોતાના માતા- પિતા તેમજ પત્ની ડો. દેવાંશી, કે જે ડેન્ટિસ્ટ છે, તેમજ પુત્ર પ્રખર (૬વર્ષ) અને પુત્રી ધનશ્રી (૭વર્ષ) કે જેઓની સાથે રહે છે. તેમને સવારે ૭.૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘેર છાતિમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી ૧૦૮ નંબરની ટીમને જાણ કરવામાં આવી હતી, અને ૧૦૮ ની ટુકડી તાત્કાલિક અસરથી ડો. ગૌરવ ગાંધીને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી, જ્યાં હોસ્પિટલ ના તમામ તબીબો દ્વારા તેઓને સારવાર આપવા માટેના અથાક પ્રયત્નો કરાયા હતા. પરંતુ તેઓનું હૃદય આખરે થંભી ગયું હતું. જેથી સમગ્ર તબીબીઆલમમાં ભારે શોકની લાગણી છવાઈ હતી.
આ દુઃખદ સમાચાર ની જાણ થતાં જામનગર શહેરના અનેક તબીબો જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને ભારે ગમગીની છવાઈ હતી.જેમના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યા પછી તેમના અન્ય કુટુંબીજનો કે જેઓ બહારગામ થી આવ્યા પછી અંતિમયાત્રા કાઢવાનું નક્કી કરાયું છે.1982માં જન્મેલા 41 વર્ષના ડો.ગૌરવ ગાંધી પોતાના કામમાં ખૂબ જ ગંભીર હતા, કારકિર્દી દરમિયાન તેમણે 16 હજારથી વધુ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની હદયની સર્જરીઓ કરી હતી. તેઓ પોતાની પાછળ પિતા દિનેશચંદ્ર ગાંધી, માતા કુસુમબેન ગાંધી, પત્ની ડો.દેવાંશી ગાંધી (ડેન્ટિસ્ટ) અને સંતાનો પુત્રી ધનવી તથા પુત્ર પ્રખરને વિલાપ કરતાં છોડી ગયા છે. આમ તો કાર્ડિયાક એરેસ્ટના કારણે જ ડો.ગૌરવ ગાંધીનું નિધન થયું છે આમ છતાં સ્પષ્ટ કારણ જાણવા માટે જી.જી.હોસ્પિટલમાં પોર્સ્ટમોટમ કરવામાં આવ્યું છે, જેથી કરીને કાર્ડિયાક એરેસ્ટ સંબંધે વધુ સ્પષ્ટ કારણ જાણી શકાય.ડો. ગૌરવ ગાંધીની સાંજે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી. ડો. ગાંધીના નિધન પર જામનગરના જામસાહેબે મૌખિક શોક સંદેશો પાઠવ્યો હતો અને પુષ્પગુચ્છ મોકલી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.