અમદાવાદની SVP હોસ્પિટલના એક વોર્ડમા કોરોનાના 30 દર્દીઓ દાખલ થતાં તંત્ર દોડતું થયું, શહેરમાં પાંચ સોસાયટીઓ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાઈ

Webdunia
શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (09:36 IST)
નવા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 26 ફેબ્રુઆરીથી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે
 
છેલ્લા ત્રણેક મહિનાથી અમદાવાદની SVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો ઘસારો ઓછો થઈ ગયો હતો. હોસ્પિટલમાં નિયમિત રીતે ચાલતી અન્ય OPD પણ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે ચૂંટણી પુરી થયાં બાદ હોસ્પિટલમાં ગઈ કાલે એક જ દિવસમાં 30 જેટલા કોરોનાના દર્દીઓ દાખલ થતાં એક વોર્ડ હાઉસફુલ થઈ ગયો હતો. દર્દીઓ વધતાં તંત્રમાં પણ દોડધામ શરુ થઈ ગઈ છે. 
 
અમદાવાદ શહેરમાં 11 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી
 
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 11 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્યારે નવા 5 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે. જોધપુર, નવરંગપુરા, નારણપુરા, થલતેજ અને ગોતામાં એમ પાંચેય કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 82 ઘરોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પેોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (26 ફેબ્રુઆરી)થી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.
 
સતત ચાર દિવસથી 70થી વધુ કેસ
 
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ બનેલા અમદાવાદમાં સંક્રમણ ફરી વકરી રહ્યું છે અને છેલ્લા ચાર દિવસથી 70થી વધુ કેસ નોઁધાયા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કેસમાં ઉછાળો આવ્યો છે અને છેલ્લા 24 કલાકમાં શહેરમાં 75 નવા કેસ અને 86 દર્દી સાજા થયા છે. જ્યારે એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 2,311 થયો છે. 24 ફેબ્રુઆરીની સાંજથી 25 ફેબ્રુઆરીની સાંજ સુધીમાં શહેરમાં 71 અને જિલ્લામાં 4 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 81 અને જિલ્લામાં 5 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 62,468 થયો છે. જ્યારે 59,592 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
અન્ય રાજ્યો અને વિદેશમાંથી આવતા મુસાફરોનું સઘન ચેકિંગ
 
દેશના અન્ય રાજ્યોમાં કોરોના ફરી બેકાબૂ બનવા લાગ્યો છે અને ખાસ કરીને કેટલાક દેશોમાં પણ વેરિએન્ટ કેસ વધી રહ્યા છે, સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોરોનાની ગાઇડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાનાં કારણોને ધ્યાનમાં રાખીને ગુજરાતના આરોગ્ય વિભાગને અલર્ટ પર મૂકી દીધું હોવાનું જાણવા મળ્યું છે. શહેરોમાં કોરોનાના રેપિડ ટેસ્ટ માટે તૈયાર કરવામાં આવેલાં ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે.
રેપિડ ટેસ્ટ માટેના ડોમ ફરીવાર શરુ કરી દેવામાં આવ્યાં
અમદાવાદ સહિતનાં શહેરોમાં ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ રેપિડ ટેસ્ટ માટેનાં ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે. તાજેતરમાં જ અમદાવાદમાં કોરોનાના કેસો ઘટતાં શહેરમાં રેપિડ ટેસ્ટ માટે ઊભાં કરવામાં આવેલા ડોમમાંથી 85 જેટલાં ડોમ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. શહેરમાં રોજ 50 જેટલા કેસો નોંધાવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું, પરંતુ રાજ્યમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીના મતદાન બાદ કોરોનાના કેસોમાં વધારો થયો હોવાથી રેપિડ ટેસ્ટ માટેનાં ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે.
રાજ્ય સરકારે આરોગ્ય વિભાગને અલર્ટ પર મૂક્યો
દેશમાં કોરોના સંક્રમણમાં રાહત મળી રહી છે અને પ્રતિબંધાત્મક આદેશો ઘટાડવામાં આવી રહ્યા છે, તેથી હવે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં કોરોનાવાયરસનો જે નવો વેરિએન્ટ દેખાયો છે એના ભારતમાં કેસ નોંધાયા છે અને એ સાથે અગાઉ બ્રિટનના વેરિએન્ટના કેસ પણ ભારતમાં નોંધાયા હતા. પણ એને ઘટાડવામાં સફળતા મળી હતી, એ વચ્ચે આ નવા વેરિએન્ટની સામે ખાસ કરીને કેરળ અને મહારાષ્ટ્રમાં ચિંતા વધી છે અને ગુજરાત સરકારે પણ ફરી એક વખત આરોગ્ય વિભાગને અલર્ટ પર મૂકી દીધો છે. જોકે ગુજરાતમાં હજુ આ નવા વેરિએન્ટનો એકપણ કેસ નોંધાયો નથી, પણ રાજ્ય સરકાર કોઈ ઢીલાશ આપવા માગતી નથી.

સંબંધિત સમાચાર

Next Article