કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં SVP હોસ્પિટલમાં બેડની ક્ષમતા ડબલ કરાઈ

બુધવાર, 22 એપ્રિલ 2020 (15:10 IST)
અમદાવાદમાં એક તરફ કોરોનાના દર્દીઓની સંખ્યામાં રોજેરોજ મોટો વધારો નોંધાઇ રહ્યો છે અને બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં ગંદકી સહિત પ્રવર્તતી અવ્યવસ્થા અને અસુવિધાના કારણે જલ્દી લોકો ત્યાં દાખલ થવા તૈયાર નથી. આ સંજોગો વચ્ચે મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત નવી એસવીપી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 500 બેડની સુવિધા હતી તે ડબલ કરીને રાતોરાત 1000 બેડની કરી કાઢવામાં આવી છે. આ ઉપરાંત નાણાં ખર્ચી શકે છે, તેવા દર્દીઓ માટે એક ફાઇવ સ્ટાર હોટેલમાં રહીને સારવાર મેળવી શકે તેવી અનોખી સુવિધા પણ ઉભી કરાઇ છે. આ અંગે વિગતો આપતા કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, એસવીપીમાં પહેલાં 50 બેડ અને 15 બેડ આઇસીયુમાં કોરોના માટે રખાયા હતા. ત્યારબાદ 200 બેડની સુવિધા કરવામાં આવી, દર્દીઓ વધતા તે 500 બેડ સુધી લઇ જવામાં આવી. હવે દર્દીઓના મળતા સારા પ્રતિભાવોથી પ્રોત્સાહિત થઇને 1000 બેડ કરી કાઢવાનો નિર્ણય લેવાયો છે. આથી વર્કલોડ અને ચેલેન્જ વધશે પણ તેને પહોંચી વળીશું.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર