ભારતના વડા પ્રધાન દ્વારા ચોટીલા નજીક હીરાસર ખાતે ઍરપોર્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ઍરપોર્ટ માટેની ૨૨૪૦ એકર જમીન અંગે જરૂરી સંપાદન અંગેનું જાહેરનામું સત્તાધીશ દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી અને જેમાંથી વાવડી ગરીડાની જમીનનો કેસ સુપ્રીમ કોર્ટમાં હાલ ચાલી રહ્યો છે ત્યારે ચૂંટણીલક્ષી ખાતમુહૂર્ત જે જમીનમાં કરવામાં આવ્યું છે તે જમીનના વિવાદ અને હકીકતો અંગે ભાજપ સરકાર જવાબ આપે એવી માગ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હીરાસર ખાતે જે ઍરપોર્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમાં હીરાસરની ૬૨૦ એકર અને સુરેન્દ્રનગર જિલ્લાની વાવડી, ગરીડા, દોશીપુરા, ધાનીવડલા સહિતના ગામની ૧૬૮૦ એકર જમીનનો સમાવેશ થાય છે. જમીન સંપાદન અંગેના નિયમો અનુસાર પ્રથમ જાહેરનામું નાયબ કલેકટર ચોટીલા અને ત્યાર બાદ કલેકટર સુરેન્દ્રનગર અને રાજકોટ દ્વારા જાહેરનામું બહાર પાડવું પડે અને સાથોસાથ જે તે ગામના સ્થાનિક નાગરિકો સાથે જમીન સંપાદન અંગેના વાંધા પ્રમાણપત્ર મેળવવું પડે. ત્યારબાદ ભારતીય એરપોર્ટ ઑથોરીટી જે તે જમીન સંપાદન અંગે જે તે જમીન માલિકને વળતર ચૂકવવાનું થાય પણ સમગ્ર જમીન સંપાદન અંગે એકપણ સત્તાધીશો દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હોય એવું જણાતું નથી. ચૂંટણી નજીક આવતા વિકાસના મોટા વાયદા જેમ કે મેટ્રો રેલ ખાતમુહૂર્ત ૨૦૦૪માં થયું હતું. ખાતમુહૂર્તના આજે ૧૩ વર્ષ થયા અને ૭૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયો અને મેટ્રો રેલ જમીન પર આવી નથી, ધોલેરા ખાતે ફેદરા ઇન્ટરનેશનલ ઍરપોર્ટની ૨૦૦૯માં જાહેરાતને આજે ૮ વર્ષ થયા એરોપ્લેન ન આવ્યા પણ આસપાસના ૪૦ ગામોમાં એસટી બસોના રૂટો બંધ થયા સમગ્ર રાજ્યમાં ૫૦૦૦ કરતાં વધુ એસટી રૂટો બંધ થઈ છે. ત્યારે ફરી એક વખત હીરાસર ખાતે એરપોર્ટ ખાતમુહૂર્તના નામે સમગ્ર નાટક હકીકત અંગે ભાજપ સરકાર જવાબ આપે.