ગુજરાતના હવામાનમાં ફેરફાર, હવે કયા જિલ્લામાં વરસાદ પડશે?

Webdunia
શનિવાર, 10 ઑગસ્ટ 2024 (18:40 IST)
ગુજરાતમાં ધીમે-ધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે અને આવનારા દિવસોમાં વરસાદનું પ્રમાણ ઘટે તેવી સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો, તો કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. જોકે, વરસાદનું પ્રમાણે હવે ઘટી રહ્યું છે.
 
ગુજરાતની આસપાસ હાલમાં કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે રાજ્યમાં વરસાદ ધીમો પડશે. આ ઉપરાંત મૉન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે જેથી ઉત્તર ભારતનાં રાજ્યોમાં હવે વરસાદમાં વધારો થશે.
 
ગુજરાતમાં જૂનમાં શરૂ થયેલા ચોમાસાને લગભગ અઢી મહિના પૂરા થયા છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું ગુજરાતમાંથી પરત ફરે છે.
 
જોકે, ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં વરસાદની ખૂબ જ અછત રહી હતી, પરંતુ આ વર્ષે ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં ગુજરાતના કેટલાક જિલ્લાને બાદ કરતા મોટા ભાગમાં સારો વરસાદ થયો હતો. ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે.
 
ગુજરાતમાં હવે વરસાદની સ્થિતિ કેવી રહેશે?
 
ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી અમુક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે.
 
જોકે, હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં અમુક જિલ્લાને બાદ કરતાં ભારે વરસાદની શક્યતા દેખાતી નથી.
 
એટલે કે ગુજરાતમાં જુલાઈ બાદ જે અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી તેવી સ્થિતિ થવાની શક્યતા ઓછી છે.
 
રાજ્યમાં જુલાઈ મહિનામાં થયેલા ભારે વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો. જોકે, કેટલાક જિલ્લામાં તેમ છતાં પણ વરસાદની અછત જોવા મળી હતી.
 
આવનારા દિવસોમાં ગુજરાતના ક્યા જિલ્લામાં વરસાદ પડી શકે?
 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતના ઘણા જિલ્લામાં આવનારા સાત દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
 
11 અને 12 ઑગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને અમદાવાદના કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી અને ગીરસોમનાથમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
 
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 13 અને 14 ઑગસ્ટે રાજ્યના વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી નવસારી અને વલસાડ જેવા જિલ્લામાં હળવા અને છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
 
આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.
 
કચ્છ જિલ્લામાં પણ ઘણા વિસ્તારોમાં ફરી વરસાદ વરસી શકે છે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ નહિવત્ દેખાય છે.
 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવનારા બે-ત્રણ દિવસોમાં રાજ્યના ઘણા જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં મધ્યમ અથવા મધ્યમથી થોડો ઓછો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે.

સંબંધિત સમાચાર

Next Article