Rain Update - અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત નજીક સર્જાયેલા સાયક્લૉનિક સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક જિલ્લાઓ તથા કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાનો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે, જેને લીધે હાલમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 5 જુલાઈના રોજ અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ , પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. 6 જુલાઈના રોજ ગુજરાતનું હવામાન સાફ રહી શકે છે, એવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. જોકે સૌરાષ્ટ્ર, દીવ-દમણ અને દાદરા નગરહવેલીમાં હળવો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે તારીખ 7 જુલાઈના રોજની પણ આગાહી કરી છે જેમાં સમગ્ર ગુજરાતમાં અમુક જગ્યાએ છુટોછવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર થોડું વધી શકે છે.
સુરત, અને તાપીમાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. બીજી તરફ નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. આવી જ સ્થિત સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં પણ જોવા મળશે.
રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. રાહત કમિશ્નરે તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતાં.આ બેઠકમાં IMDના અધિકારીએ વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ સપ્તાહ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. 6 જુલાઈથી 9મી જુલાઇ દરમ્યાન અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જીલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજયમાં 206 જળાશયો પૈકી 23 જળાશય હાઈ એલર્ટ, 15 એલર્ટ અને 10 વોર્નિંગ પર છે.એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે તથા તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.