રાજ્યના એક પણ નાગરિકના આરોગ્ય સાથે ચેડા કરનાર હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરાશેઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
શાંતાબા હોસ્પિટલમાં નવેમ્બર 2022માં હોસ્પિટલની બેદરકારીના કારણે આંખના ઓપરેશન બાદ 12 દર્દીઓને આંખે અંધાપો આવ્યો હતો.આ મુદ્દે આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગના નિષ્ણાંતોની એક ઈન્કવાયરી કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમા સંસ્થા ખાતે માળખાકીય સુવિધાની ખામી, દવા વપરાશની અને અન્ય સાધન સામગ્રીની ખામી, તેમજ સર્જન અને સ્ટાફની ખામીઓ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. આ સંસ્થા -આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ ઇન્ફેકશન કંટ્રોલ પોલિસી 2019 અંતર્ગત દર્દીઓની દ્રષ્ટી બચાવવા લેવાના થતા પગલા બાબતે નિષ્ફળ ગઇ હોવાનો પણ રિપોર્ટમાં ખુલાસો કરાયો હતો. શાંતાબા કોલેજમાં મોતીયાની સર્જરી માટે દાખલ દર્દી સાથે થયેલ બેદરકારી બદલ આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે.
હોસ્પિટલને પાંચ કરોડનો દંડ ફડકારવામાં આવ્યો
રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલને આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ પાંચ કરોડનો દંડ ફડકારવામાં આવ્યો છે. કુલ 12 જેટલા દર્દીઓ શાંતાબા મેડિકલ કૉલેજની બેદરકારીનો ભોગ બન્યા હતા. આ દર્દીઓ પ્રત્યે માનવીય અભિગમ દાખવીને સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને 10 લાખ જ્યારે અંશત : દ્રષ્ટિ ગુમાવનાર દર્દીને 5 લાખનું વળતર ચૂકવવાનો આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને આદેશ કરવામાં આવ્યો છે. આ બેદરકારીનો ભોગ બનેલા અને સધન સારવારના અંતે દ્રષ્ટિ પાછી મેળવી હોય તેવા દર્દીને 2 લાખ ચૂકવવાનો આદેશ કરાયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, રાજ્યના એક પણ નાગિરકના આરોગ્ય સાથે ચેડા કરતી કે ગેરરિતી આચરતી હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગ્રાન્ટમાંથી પાંચ કરોડ જેટલી દંડની રકમ કપાશે
આ ઘટનાક્રમમાં સામેલ તબીબોની સામે કડક પગલાં લેવા તેમજ શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોરિપટલ સામે કાર્યવાહી કરવા ચેરીટી કમિશ્નરને પણ સૂચના આપવામાં આવી છે.બેદ૨કારી અને દ્રષ્ટી ગુમાવેલ દર્દીઓ પ્રત્યેની ઉદાસીનતા, કન્સેશન એગ્રીમેન્ટનો ભંગ થવા બદલ સંસ્થા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીને રાજ્ય સ૨કા૨ની આરોગ્ય નીતિ હેઠળ મળતી ગ્રાન્ટમાંથી પાંચ કરોડ જેટલી દંડની રકમ કાપી લેવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, આઠ મહિના સુધી ચાલેલી આ ઈન્કવાયરી દરમિયાન તપાસને દબાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતાં.