કોંગ્રેસ યુવા સંમેલનને મંજૂરી ન મળવા છતાં કાર્યકરો ભેગા થયા, પોલીસે ટીંગાટોળી કરી 70થી વધુની અટકાયત કરી

Webdunia
સોમવાર, 28 માર્ચ 2022 (15:17 IST)
ગાંધીનગરમાં એક બાજુ વિધાનસભાનું બજેટસત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર કરવામાં આવ્યું છે. જોકે તંત્ર દ્વારા આ સંમેલનને કોઈ મંજૂરી આપવામાં આવી નથી છતાં પણ કોંગી કાર્યકરો ભેગા થતાં પોલીસ દ્વારા અત્યારસુધીમાં 70થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓ હેઠળ ગુજરાતની ભાજપ સરકારને ઘેરવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્રણ દિવસ અગાઉ ગાંધીનગરમાં આદિવાસી સંમેલન યોજીને અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લાના આદિવાસીઓને એકઠા કરી કોંગ્રેસે શક્તિપ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ સફળ થયા બાદ હવે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે.રાજ્યભરમાંથી યુવાનોને એકઠા કરી સરકારની યુવાવિરોધી નીતિ સામે બંડ પોકારવાનું આયોજન છે. જોકે પોલીસ અને તંત્ર દ્વારા આ સંમેલનને કોઈ મંજૂરી આપવામાં આવી નથી, જેને કારણે ગાંધીનગરમાં આવેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઇ છે.ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં પ્રવેશતાં તમામ માર્ગ પર વાહન ચેકિંગ શરૂ કરીને અટકાયતી પગલાં ભરવામાં આવ્યાં છે. આ અંગે ગાંધીનગર એસ.પી. મયૂર ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના યુવા સંમેલનની પોલીસ દ્વારા મંજૂરી આપવામાં નથી આવી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્યારસુધી પોલીસે 70થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી છે. આ કાર્યકરો સામે 68,69 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જો પોલીસ સાથે ઘર્ષણ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article