આણંદ જિલ્લાના નિસરાયાના યુવકે ગુલિયન બેરી સિન્ડ્રોમથી દમ તોડ્યો; અન્ય બે યુવકોની તબિયત નાજુક

Webdunia
શનિવાર, 26 ફેબ્રુઆરી 2022 (10:47 IST)
આણંદ જિલ્લામાં ગુલિયન બેરી સિન્ડ્રોમ નામના જીવલેણ રોગના શંકાસ્પદ 3 કેસો બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં જોવા મળ્યા હતા. જેમાં ત્રણેય યુવાનોને કરમસદ અને વડોદરા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

જેમાં શુક્રવારે બપોરે કરમસદ ખાતે દાખલ દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને પગલે સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.નીસરાયા ગામમાં કુવાવાળા ફળીયામાં રહેતા 26 વર્ષીય શનિકુમાર મહેશભાઈ રાજ, 18 વર્ષીય યુવરાજસિંહ હસમુખસિંહ રાજ અને નજીકના ફળિયામાં રહેતા 19 વર્ષીય આદિત્યભાઈ જીતેન્દ્રભાઈ રાજને જીવલેણ બીમારી GBSના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. ત્રણેય નવયુવાનો ત્રણ દિવસ દરમિયાન એક બાદ એક બીમારીમાં સપડાયા હતા. જેઓને પરિવારજનો દ્વારા પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તમામનો રિપોર્ટ કઢાવીને સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ ત્રણેયને કોઈ ફાયદો ના થતા અને વધુ તબિયત લથડતા શનિકુમાર રાજ અને યુવરાજ રાજને કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં જયારે આદિત્ય રાજને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે કરમસદની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા શનિકુમાર રાજની શુક્રવારે તબિયત વધુ લથડી હતી અને સારવાર દરમિયાન જ બપોરે 3 વાગ્યે મોત નીપજ્યું હતું.ગામના બે યુવાનો હજુ પણ આ શંકાસ્પદ બીમારીમાં સપડાયેલા છે અને તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે પરંતુ તેઓની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળેલ છે. ત્યારે હાલ તો ગ્રામજનોમાં શંકાસ્પદ બીમારીને લઇ ફફડાટ જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર

Next Article