- પોતાના જ બાળકોનુ અપહરણ કરીને લઈ ગયો પિતા
- ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ પિટીશન દાખલ
- પોલીસ કમિશનરે તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી
શહેરમાં ત્રણ વર્ષ પહેલાં બે બાળકોને લઈને પિતા ઘરે કોઈને કહ્યા વિના નીકળી ગયો હતો. ત્યાર બાદ બાળકોની માતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ પિટીશન દાખલ કરી હતી. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ત્રણ વર્ષથી ફરાર પિતાને શોધી નાંખીને અપહરણ કરાયેલ બે બાળકોને છોડાવી લીધા છે.
બાળકોની માતાએ હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે 2021માં અપહરણ કરનાર બાળકોના પિતા તેના ઘરમાં કોઈને કંઈ કહ્યા વગર તેના બન્ને નાના બાળકો પુત્રી તથા પુત્રને લઈને ક્યાંક જતો રહ્યો હતો. જેથી અપહ્યત બંને બાળકોની માતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ગુમ જાણવા જોગ તથા ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.આ અપહ્યત બાળકોની માતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરાવી તેના બંને બાળકોની કસ્ટડી મેળવવા પિટીશન દાખલ કરી હતી.
પોલીસ કમિશનરે તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની તપાસમાં આરોપી તેના બંને બાળકો સાથે વિદેશ ભાગી ગયો હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ હતી. આમ આરોપી પાસે અને બંને બાળકો પાસે પાસપોર્ટ નહી હોવાથી 'ડંકી' મારીને વિદેશ ભાગી ગયો હોવાની શક્યતાઓને પગલે તે હકીકતોને પણ ચકાસવામાં આવી હતી. તે હકકિક્ત આધારે જ ગુનાની ગંભીરતાને સમજીને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી.
ત્યાર બાદ ક્રાઈમ બ્રાંચે એક ટીમ બનાવી હતી. આ ટીમને આરોપી પિતા બંને બાળકો સાથે સુરતમાં કામરેજ ખાતે રહેતો હોવાની જાણ થઈ હતી. જેથી ક્રાઈમ બ્રાંચની એક ટીમને સુરત મોકવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે કામરેજમાં શાક વેચનાર વેપારી, ઉત્તરાયણનો તહેવાર હોવાથી ફુગ્ગા વેચનાર તેમજ સરકારની વિવિધ યોજનાની જાણકારી આપવા વિવિધ ડીપાર્ટમેન્ટ ના કર્મચારીઓ બનીને ગલી ગલી, ડોર ટુ ડોર સર્વે કર્યો હતો અને નનસાડ,સુરત ખાતેથી અપહરણ કરનાર બાળકોના પિતાને બંને બાળકો સાથે શોધી કાઢી અપહરણ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો.