દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક પ્રમાણમાં ઝડપાયેલા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોએ વ્યાપક ચર્ચાઓ જગાવી છે. ત્યારે ગત મોડી રાત્રે દ્વારકા નજીકના રૂપેણ બંદર તથા વરવાળા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસના 30 પેકેટનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. જેનું કુલ વજન 32.053 કિલો હતું અને તેની કુલ કિંમત 16.65 કરોડ જેટલી થાય છે.
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણ અંગે બિન આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકા નજીક મીઠાપુર માર્ગ પર આવેલા રૂપેણ બંદર તથા વરવાળા ગામ વચ્ચેના દરિયાકાંઠા વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ મનાતા પેકેટ પડ્યા હોવા અંગેની જાણ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને એના ઈન્ચાર્જ એસ.પી. હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા રાત્રીના સમયે જ આ સ્થળે દોડી જઈ અને અહીં રહેલા પેકેટને કબજામાં લીધા હતા.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ 30 જેટલા આ પેકેટમાં રહેલો આ પદાર્થ ચરસ જેવું નશાકારક પદાર્થ હોવાનું કહેવાય છે. ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં 16.65 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા આ નશાકારક પદાર્થ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આટલું જ નહીં, બિન વારસુ મળી આવેલા કરોડો રૂપિયાની કિંમતના આ ડ્રગ્સ (ચરસ) સંદર્ભે રાત્રે જ પોલીસ દ્વારા કોમ્બિંગ તેમજ વ્યાપક ચેકિંગ કામગીરીની જવાબદારી એસ.ઓ.જી. પોલીસને સોંપવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે સઘન કાર્યવાહી કરી અને આ ડ્રગ્સની ગુણવત્તા, કિંમત, સર્ચ ઓપરેશન સહિતની બાબતે કામગીરી કરી હતી.
ગતરાત્રિના ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થાના આ બનાવ વચ્ચે આજથી આશરે બે માસ પહેલાં પણ દ્વારકા વિસ્તારમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે ગતરાત્રે પણ ઝડપાયેલા આ નશાકારક પદાર્થોએ અનેક સવાલો ખડા કર્યા છે. દ્વારકા નજીકના દરિયા વિસ્તારમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સની વ્યાપક હેરાફેરી થતી હોવાના જોવા મળતા ચિત્ર વચ્ચે પોલીસ પાસે આવતા આ થોડાં ડ્રગ્સના જથ્થા વચ્ચે મોટો જથ્થો પગ કરી જતો હોય તો નવાઈ નહીં તે બાબતની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.