હરિયાણાના યમુનાનગરમાં મહેસાણાના આંગડિયા પેઢીના 5 યુવકો પાસેથી રૂપિયા 80 લાખની લૂંટ થઇ હોવાની ઘટના સામે આવી છે. પાંચેય યુવકો જે મકાનમાં રહેતા હતા. તેમા 4 અજાણ્યા શખ્સો ઘુસ્યા હતા અને પિસ્તોલ બતાવી પૈસા ભરેલો થેલો લઇ ફરાર થઇ ગયા હતા. લૂંટારૂથી બચવા માટે એક યુવકે પહેલા માળેથી નીચે ઝંપલાવ્યું પણ હતું. આ મામલે યમુના નગર પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લાના પાંચ યુવકો સંજય, રમેશ, મોહન, ઉત્તમ અને કિરણ હરિયાણાના પાણીપત શહેરમાં ગયા હતા. બુધવારે બપોરે બે વાગ્યાની આસપાસ કિરણ અને સંજય પૈસા લઇને મકાનમાં પહોચ્યા હતા. તેના થોડા સમય બાદ પાંચેક યુવકો કાર સાથે આવ્યા હતા. જેમાથી એકે મોઢા પર માસ્ક પહેર્યું હતું. કારને મકાનની બહાર જ ઉભી રાખી હતી. 5 લોકોમાંથી એક કારમાં જ રોકાયો અને અન્ય ચાર લોકો મકાનમાં ઘુસ્યા હતા. મકાનમાં ઘુસતા જ બંદૂક નીકાળી અને કિરણ પાસેથી બેગ છીનવી લીધી હતી. બંદૂક જોઇને સંજય ગભરાઇ ગયો હતો અને તેણે પહેલા માળેથી છલાંગ લગાવી દીધી હતી. સમયનો ફાયદો ઉઠાવી ચાર લૂંટારુઓ કિરણ પાસેથી બેગ છીનવી કાર લઇ ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ યમુના નગર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ત્યારબાદ એસપી કુલદીપ સિંહ, ડીએસપી હેડક્વાર્ટર સુભાષ ચંદ, સ્પેશિયલ ડિટેક્ટીવ યુનિટ અને સીઆઈએ વનની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી. ડીએસપી હેડક્વાર્ટર સુભાષચંદના જણાવ્યા અનુસાર, બે બેગમાં 80 લાખ રૂપિયા હતા તેમજ કિરણ પટેલની ફરિયાદ પરથી લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો છે.