વાવ પેટાચૂંટણી પૂર્વે ભાજપે બળવાખોર ઉમેદવાર સહિત પાંચ નેતાને સસ્પેન્ડ કર્યા

સોમવાર, 11 નવેમ્બર 2024 (11:57 IST)
રવિવારે વાવ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી પહેલાં ગુજરાત ભાજપની કાર્યવાહીથી રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.
 
ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર. પાટીલે વાવની બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી કરનારા ભાજપના નેતા માવજીભાઈ પટેલ સહિત પાંચ લોકોને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.
 
માવજીભાઈ ઉપરાંત લાલજીભાઈ ચૌધરી (પટેલ), દેવજીભાઈ પટેલ, દલરામભાઈ પટેલ અને જામાભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ પાંચેય નેતા ચૌધરી સમાજના છે અને સહકારક્ષેત્રે સારી પેઠ ધરાવે છે.
 
માવજીભાઈ બનાસ બૅન્કમાં ડાયરેક્ટર છે, તો દલરામભાઈ ભાભર માર્કેટિંગ યાર્ડના ચૅરમૅન છે.
 
ઉલ્લેખનીય છે કે વાવની બેઠક ઉપર કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત, ભાજપના સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ વચ્ચે મુખ્ય મુકાબલો છે.
 
અહીં ઠાકોર અને ચૌધરી-પટેલ સમાજ સંખ્યાબળની દૃષ્ટિએ મોટો વર્ગ છે. દલિત સમાજ પણ આ બેઠક ઉપર ખાસ્સું પ્રભુત્વ ધરાવે છે. કૉંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર સંસદસભ્યપદેથી ચૂંટાઈ આવતાં આ બેઠક ખાલી પડી હતી.
 
અહીં બુધવાર તા. 13 નવેમ્બરના ચૂંટણી યોજાશે અને તા. 23 નવેમ્બરના ચૂંટણી પરિણામ આવશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર