ઠંડીમાં રાહત: સાંજથી સવાર સુધી ઠંડી જયારે બપોરે ગરમી

ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (12:43 IST)
સૌરાષ્ટ્ર કચ્છમાં ચાલતા ઠંડીના રાહતના દિવસોમાં છેલ્લા બે દિવસથી મિશ્રઋતુનો માહોલ શરૂ થયો હોય તેમ શીતલહેરની અસરથી મોડી સાંજથી સવાર સુધી ઠંડીનો માહોલ બની રહ્યો છે જયારે દિવસે ફરીને ગરમીનો અનુભવ થતો હોવાથી મિશ્ર ઋતુનો માહોલ જોવા મળે છે.

લગભગ એકાદ માસ સુધી કાતીલ ઠંડીએ બોકાસો બોલાવી સૌરાષ્ટ્ર કચ્છની જનતાને જકડી રાખ્યા બાદ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશમાં ગયા પખવાડિયામાં પ્રારંભથી બરફ વર્ષા બંધ થઈ ગઈ હતી. જેની અસરથી છેલ્લા ચાર દિવસથી ફરીને તાપમાનનો પારો ઉચકાવા લાગ્યો છે. જેથી રાત્રીનું તાપમાન તો મોટાભાગના શહેરોમાં 10 ડીગ્રી ઉપર પહોંચી ગયું હતું પરંતુ દિવસનું તાપમાન પણ 30 ડીગ્રી નજીક પહોંચી જવા લાગ્યુ છે. 

જો કે દિવસ રાત 6થી 26 કી.મી પ્રતિ કલાકની ઝડપે ફુંકાતી શીત લહેરની અસર હેઠળ મોડી સાંજથી જ સવારે પણ મોડે સુધી લોકોને કાતીલ ઠંડીનો અનુભવ યથાવત જોવા મળે છે. વળી લાંબા સમય સુધી ચાલેલા કાતીલ ઠંડીના દૌરને કારણે ભારે પ્રભાવિત બનેલી ભૌતિક વસ્તુઓ ઠંડીગાર હોવાથી ઘરમાં ઠંડી અનુભવાય છે પરંતુ દિવસે સૂર્ય નારાયણ પણ રંગ દેખાડવા લાગતા લોકોને ઘરની બહાર ગરમી થવા લાગતા ગામ ગરમ વસ્ત્રોમાંથી છુટકારો લેવો પડતો હોય તેવો ઘાટ બની રહ્યો છે.

છેલ્લા ચાર દિવસતી ઠંડીમાં રાહત મળવાના કારણે માત્ર માનવીઓ નહિ પરંતુ કાતીલઠંડીથી ઠીંગરાતા પશુ પંખીઓને પણ રાહત જોવા મળતા પશુપાલકો પણ હાશકારો અનુભવી રહ્યા છે. તેવામાં હાલ ચાલુ સપ્તાહમાં ફરીને દિવસે સામાન્ય ગરમી અને રાત્રીના સમયે ઠંડીનો અનુભવ એમ બેવડી ઋતુનો અનુભવ હાલમાં માણવા મળશે. જો કે આગામી માર્ચ મહિના સુધી શિયાળો ચાલવાનો હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાંઆવી હોવાથી લોકોને ઠંડીમાં વધુ રાહત મળવાની શકયતા નહિવત છે અને આગામી સપ્તાહમાં ફરી બોકાસો બોલાવતી ઠંડી શરૂ થશે તેવી પણ શકયતા હવામાન વિભાગના સુત્રો દ્વારા દર્શાવવામાં આવી છે.

જો કે અવિરત ચાલુ રહેલા શિયાળાના દૌરને કારણે લોકોમાં વાતાવરણની અસર પણ વધુ જોવા મળે છે. બાળકોને અબાલ વૃધ્ધો સહુ કોઈ શરદી, સળેખમ, ઉધરસ જેવા વાયરલ જન્ય અને એલર્જીની બીમારીનો ભોગ બન્યા છે. તો હદયરોગના દર્દીઓની હાલત પણ કફોડી બનતી હોવાથી આવા લોકોને સાવચેત રહેવા અને નાક, કાન માથુ ઢાંકવા સાથે ગરમ વસ્ત્રો પહેરી શકય તેટલા ગરમ પદાર્થોનો ઉપયોગ ખાણીપીણીમાં કરવા અપીલ કરાઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર