“જે લોકો ગાય-ભેંસનું નામ લઇને મજાક કરે છે તેઓ ભૂલી ગયા છે કે, દેશમાં પશુધન દ્વારા 8 કરોડ પરિવારોનું ગુજરાન ચાલી રહ્યું છે''

Webdunia
શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (10:04 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં કારખિયાં ખાતે ઉત્તરપ્રદેશ રાજ્ય ઔદ્યોગિક વિકાસ સત્તામંડળ ફૂડ પાર્ક ખાતે ‘બનાસ ડેરી સંકુલ’નો શિલાન્યાસ કર્યો હતો. 30 એકર જમીનમાં નિર્માણ થનારી આ ડેરી અંદાજે રૂપિયા 475 કરોડના ખર્ચે તૈયાર થશે અને તેનાથી દરરોજ પાંચ લાખ લીટર દૂધના પ્રસંસ્કરણની સુવિધા ઉભી થશે. ઉપરાંત, પ્રધાનમંત્રીએ બનાસ ડેરી સાથે જોડાયેલા 1.7 લાખ કરતાં વધારે દૂધ ઉત્પાદકોના બેંક ખાતાઓમાં ડિજિટલ માધ્યમથી લગભગ રૂપિયા 35 કરોડ જેટલી રકમ બોનસ પેટે ટ્રાન્સફર કરી હતી. 
 
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે, વારાણસીના રામનગર ખાતે દૂધ ઉત્પાદક સહકારી સંઘ પ્લાન્ટ માટે બાયોગેસ આધારિત વીજ ઉત્પાદન પ્લાન્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારતીય માનક બ્યૂરો (BIS) દ્વારા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB)ની મદદથી વિકસાવવામાં આવેલી દૂધ ઉત્પાદન અનુરૂપતા મૂલ્યાંકન યોજનાને સમર્પિત પોર્ટલ અને લોગો પણ લોન્ચ કર્યા હતા.  
 
પાયાના સ્તરે જમીનની માલિકીની સમસ્યાઓમાં ઘટાડો લાવવાના વધુ એક પ્રયાસરૂપે પ્રધાનમંત્રીએ કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલયની સ્વામીત્વ યોજના હેઠળ ઉત્તરપ્રદેશમાં 20 લાખ કરતાં વધારે રહેવાસીઓને વર્ચ્યુઅલ માધ્યમથી ગ્રામીણ રહેણાંક અધિકાર રેકોર્ડ ‘ઘરૌની’નું વિતરણ કર્યુ હતું. આ કાર્યક્રમ, પ્રધાનમંત્રી દ્વારા વારાણસીમાં રૂપિયા 870 કરોડ કરતાં વધારે મૂલ્યની વિકાસલક્ષી વિવિધ 22 પરિયોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો પણ સાક્ષી બન્યો હતો. આનાથી વારાણસીમાં હાલમાં ચાલી રહેલા 360 ડિગ્રી પરિવર્તનની કામગીરી વધુ પ્રબળ થશે.
 
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર નાથ પાંડે તેમજ અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કિસાન દિવસ નિમિત્તે દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને તેમની જન્મતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
 
પ્રધાનમંત્રીએ પશુધનના મહત્વને રેખાંકિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “કેટલાક લોકો માટે તો ગાય વિશે વાત કરવી એ પણ ગુનો છે, આપણે ગાયને માતા તરીકે પૂજીએ છીએ. જે લોકો ગાય અને ભેંસના નામે મજાક ઉડાવી રહ્યા છે તેમણે એ વાત ના ભૂલવી જોઇએ કે દેશમાં 8 કરોડ પરિવારોનું ગુજરાન પશુધનના કારણે ચાલી રહ્યું છે.” તેમણે ઉમેર્યું હતું કે, “ભારતમાં ડેરી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવું એ મારી સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંથી એક છે. આ શ્રેણીમાં, આજે અહીં બનાસ કાશી સંકુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.” 
 
તેમણે પશુઓમાં મોં અને પગના રોગો માટે ચલાવવામાં આવી રહેલા દેશવ્યાપી ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ વિશે પણ વાત કરી હતી. 6-7 વર્ષ પહેલાંની સરખામણીમાં દેશમાં હાલમાં દૂધના ઉત્પાદનમાં લગભગ 45 ટકા વધારો થયો છે. આજે ભારત આખી દુનિયાના લગભગ 22 ટકા દૂધનું ઉત્પાદન કરે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “મને ખુશી છે કે આજે ઉત્તરપ્રદેશ માત્ર સમગ્ર દેશનું સૌથી મોટું દૂધ ઉત્પાદક રાજ્ય નથી, પરંતુ તે ડેરી ક્ષેત્રના વિસ્તરણમાં પણ નોંધપાત્ર રીતે આગળ નીકળી ગયું છે”. 
 
પ્રધાનમંત્રીએ ડેરી ક્ષેત્ર, પશુ સંવર્ધનની ભૂમિકામાં તેમને મજબૂત વિશ્વાસ હોવાનું વ્યક્ત કર્યુ હતું અને શ્વેત ક્રાંતિમાં નવેસરથી આપવામાં આવી રહેલા વેગના કારણે ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સૌથી પહેલા તો, પશુ સંવર્ધન દેશના નાના ખેડૂતો માટે વધારાની આવકનો ઘણો મોટો સ્રોત બની શકે છે. આવા ખેડૂતોની સંખ્યા 100 મિલિયન કરતાં વધુ છે. બીજું કે, ભારતના ડેરી ઉત્પાદનોનું વિદેશમાં ખૂબ વિશાળ બજાર છે, અને તેમાં પણ વૃદ્ધિ થવાની ઘણી સંભાવનાઓ છે. 
 
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ત્રીજું એ કે, પશુપાલનનો વ્યવસાય એ મહિલાઓના આર્થિક ઉત્કર્ષ માટે, તેમની સાહસિકતાને આગળ ધપાવવા માટેનો એક શ્રેષ્ઠ માર્ગ છે. ચોથું એ કે, બાયોગેસ, સજીવ ખેતી અને કુદરતી ખેતી માટે પશુધન પર આપણો ઘણો મોટો આધાર છે. ભારતીય માનક બ્યૂરોએ દેશ માટે એકીકૃત સિસ્ટમ બહાર પાડી છે. પ્રમાણીકરણ માટે કામધેનુ ગાયની તસવીર દર્શાવતો એક એકીકૃત લોગો પણ લોન્ચ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો આ પુરાવો, આ લોગો દેખાતો હોય, તો શુદ્ધતાની ઓળખ સરળ બનશે અને ભારતના દૂધ ઉત્પાદનોની વિશ્વસનીયતા પણ વધશે.
 
કુદરતી કૃષિ પર વિશેષ ભાર મૂકવાનું પ્રધાનમંત્રીએ ચાલુ રાખતા આગળ જણાવ્યું હતું કે, જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ કુદરતી ખેતીના અવકાશમાં પણ ઘટાડો થતો ગયો અને રાસાયણિક ખેતીનું પ્રભૂત્વ વધતું ગયું. તેમણે કહ્યું હતું કે, “ધરતી માતાના કાયાકલ્પ માટે, આપણી માટીનું રક્ષણ કરવા માટે, આવનારી પેઢીઓનું ભાવિ સુરક્ષિત બનાવવા માટે આપણે ફરી એકવાર કુદરતી ખેતી તરફ વળવું પડશે. વર્તમાન સમયની આ જરૂરિયાત છે”. પ્રધાનમંત્રીએ ખેડૂતોને અનુરોધ કર્યો હતો કે, તેઓ કુદરતી ખેતી અને ઓર્ગેનિક પાક અપનાવે. તેમણે કહ્યું હતું કે, આનાથી કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે ઘણા લાંબાગાળાના લાભો પ્રાપ્ત થશે.
 
પ્રધાનમંત્રીએ કેન્દ્રીય પંચાયતીરાજ મંત્રાલયની સ્વામીત્વ યોજના અંતર્ગત વર્ચ્યુઅલ માધ્યમથી ઉત્તરપ્રદેશના 20 લાખ કરતાં વધારે રહેવાસીઓને ગ્રામીણ રહેણાંક અધિકાર રેકોર્ડ ‘ઘરૌની’નું વિતરણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આનાથી વિકાસના નવા માર્ગો ખૂલશે અને ગ્રામીણ ગરીબોને ગૌરવ પ્રાપ્ત થશે તેમજ તેઓ વિકાસની વૃદ્ધિ ગાથાનો હિસ્સો બની શકશે.
 
તેમણે જણાવ્યું હતું કે, વારાણસી ઝડપથી વિકાસના મોડેલમાં રૂપાંતરિત થઇ રહ્યું છે. નવી પરિયોજનાઓ વારાણસીના લોકોના જીવનમાં અભૂતપૂર્વ સરળતા અને સગવડો લાવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, જે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આજે શરૂ કરવામાં આવી છે તેનાથી આરોગ્ય, શિક્ષણ અને માળખાકીય સુવિધાઓ સંબંધિત વધુ મજબૂત થશે.
 
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જે લોકો ઉત્તર પ્રદેશની રાજનીતિને જાતિ, સંપ્રદાય, ધર્મના પ્રિઝમથી જુએ છે તેવા લોકો ડબલ એન્જિનના ડબલ પાવરની વાતોથી નારાજ થઇ જાય છે. તેમણે ઉમેર્યું હતું કે, આવા લોકો શાળા, કોલેજ, રસ્તા, પાણી, ગરીબો માટે આવાસ, ગેસ કનેક્શન અને શૌચાલયને વિકાસનો ભાગ ન ગણે. પ્રધાનમંત્રીએ પોતાની વાતના સમાપનમાં કહ્યું હતું કે, “ઉત્તરપ્રદેશના લોકોને પહેલાં જે મળતું હતું અને ઉત્તરપ્રદેશના લોકોને આજે અમારી સરકાર પાસેથી જે કંઇ મળી રહ્યું છે તેની વચ્ચેનો તફાવત સ્પષ્ટ છે. અમે ઉત્તરપ્રદેશની ધરોહરને ઉન્નત બનાવી રહ્યા છીએ અને સાથે સાથે અમે ઉત્તરપ્રદેશનો વિકાસ પણ કરી રહ્યા છીએ”.
 
પ્રધાનમંત્રી દ્વારા શિક્ષણ ક્ષેત્રને લગતી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે રૂ. 107 કરોડના ખર્ચે નિર્માણ પામેલ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનું ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર ટીચર્સ એજ્યુકેશન અને રૂપિયા 7 કરોડ કરતાં વધુ ખર્ચે સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હાયર તિબેટીયન સ્ટડીઝ ખાતે તૈયાર કરવામાં આવેલું ટીચર્સ એજ્યુકેશન સેન્ટર સામેલ છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રીના હસ્તે BHU અને ITI કરૌંડી ખાતે રહેણાંક ફ્લેટ અને સ્ટાફ ક્વાર્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
 
આરોગ્ય ક્ષેત્રની પરિયોજનાઓમાં, પ્રધાનમંત્રી દ્વારા મહામાના પંડિત મદન મોહન માલવિયા કેન્સર કેન્દ્ર ખાતે રૂપિયા 130 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ડૉક્ટર હોસ્ટેલ, નર્સોની હોસ્ટેલ અને આશ્રય ગૃહ સામેલ છે. તેમણે ભદ્રાસી ખાતે 50 બેડની એકીકૃત આયુષ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આયુષ મિશન હેઠળ પિન્દ્રા તાલુકામાં રૂપિયા 49 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી હોમિયોપેથિક મેડિકલ કોલેજનો શિલાન્યાસ પણ કર્યો હતો. 
 
માર્ગ ક્ષેત્રમાં, પ્રધાનમંત્રીએ પ્રયાગરાજ અને ભદોહી માર્ગો માટે ‘4 થી 6 માર્ગી’ રસ્તાઓનું વિસ્તરણ કરવાના માટેની બે પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આના કારણે વારાણસી સાથેની કનેક્ટિવિટીમાં સુધારો આવશે અને શહેરની ટ્રાફિક ગીચતાની સમસ્યાનો ઉકેલ લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું પૂરવાર થશે.
 
પવિત્ર નગરી વારાણસીમાં પર્યટનની સંભાવનાઓને વેગ આપવા માટે, પ્રધાનમંત્રીએ વારાણસીમાં સીર ગોવર્ધન ખાતે શ્રી ગુરુ રવિદાસજી મંદિર સંબંધિત પર્યટન વિકાસ પરિયોજનાના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલી અન્ય પરિયોજનાઓમાં વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા, દક્ષિણ એશિયા પ્રાદેશિક કેન્દ્ર ખાતે ઝડપી સંવર્ધન સુવિધા, પાયકપુર ગામમાં પ્રાદેશિક સંદર્ભ માનક લેબોરેટરી અને પિન્દ્રા તાલુકામાં વકીલ ઇમારતનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

Next Article