સીમા પર પોતાની નાપાક હરકતો કાયમ રાખનારા પાકિસ્તાનને હવે કેન્દ્રીય ગૃહમંત્રીએ ખુલ્લી ચેતાવણી આપી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે જો પાકિસ્તાન ઉલ્લંઘન બંધ નહીં કરે અને કાશ્મીરમાં નાગરિકોની હત્યાની રમત બંધ નહીં કરે તો તેના પર ફરી સર્જિકલ સ્ટ્રાઈક થઈ શકે છે, પાકિસ્તાનને સર્જિકલ સ્ટ્રાઈકની યાદ અપાવતા અમિત શાહે કહ્યું, 'સર્જિકલ સ્ટ્રાઈકે સાબિત કરી દીધું છે કે અમે હુમલા સહન નહીં કરીએ. જો તમે ઉલ્લંઘન કરશો તો વધુ સર્જિકલ સ્ટ્રાઈક થશે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૈસાથી ઉછરી રહેલો આતંકવાદ જમ્મુ-કાશ્મીરમાં ફરીથી તેની જડ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. તાજેતરના દિવસોમાં કાયર આતંકવાદીઓએ ઘાટીમાં ઘણા નિર્દોષ લોકોના જીવ લીધા છે. આ ઉપરાંત આતંકીવાદીઓએ સેના પર પણ હુમલો કર્યો હતો. પડોશી દેશના ઈશારે આતંકવાદીઓની આ લોહિયાળ રમત બાદ આખો દેશ આ સમયે ગુસ્સામાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે ગોવામાં હાજર હતા. અહીં તેમણે દક્ષિણ ગોવાના ધારબોન્દ્રા ગામમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરતી વખતે પાકિસ્તાનને કડક અવાજમાં ચેતવણી પણ આપી છે. અમિત શાહે કહ્યું, 'પીએમ મોદી અને પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરની દેખરેખ હેઠળ કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક એક મહત્વનું પગલું હતું. અમે સંદેશો ફેલાવીએ છીએ કે કોઈ પણ ભારતીય સરહદો પર પરેશાન કરી શકતુ નથી. વાત કરવાનો એક સમય હતો પણ હવે પ્રતિક્રિયા આપવાનો સમય છે.