આખી દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો હતો. લાખો લોકોએ જીવ ગુમાવ્યા. આવી સ્થિતિમાં નવા વાયરસનું નામ બહાર આવતા જ લોકોના હોશ ઉડી જાય છે. તાજો મામલો મારબર્ગ વાયરસનો છે.
દુનિયાભરના મોટાભાગના દેશોએ કોરોનાનો કહેર જોયો છે. કોરોનાના કારણે ઘણા દેશોને લોકડાઉનનો સામનો કરવો પડ્યો અને કરોડો લોકોએ જીવ ગુમાવ્યા. જેના કારણે વિશ્વના ઘણા દેશોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. જીવનને પાછું પાટા પર લાવવામાં ઘણો સમય લાગ્યો. આવી સ્થિતિમાં ઘાનામાં મારબર્ગ વાયરસના બે કેસ સામે આવ્યા બાદ ચિંતા વધી ગઈ છે.
સ્કાય ન્યૂઝ અનુસાર, ઘાનામાં ગયા મહિને બે લોકોના મોત થયા હતા. તેનો તપાસ રિપોર્ટ હવે સામે આવ્યો છે અને તે પોઝિટિવ આવ્યો છે. તેમાંથી એકની ઉંમર 26 વર્ષ અને બીજાની ઉંમર 51 વર્ષ છે. વહીવટીતંત્રે બંનેના સંપર્કમાં આવેલા લોકોને અલગ કરી દીધા છે. જો કે, હજુ સુધી તે લોકોમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. પશ્ચિમ આફ્રિકન દેશ ઘાનામાં આ પ્રથમ વખત આ વાયરસના કેસ નોંધાયા છે.