જેતપુરના પેઢલા ખાતે થયેલા મગફળીમાં માટીની ભેળસેળ મામલે પોલીસે સૌરાષ્ટ્ર વેરહાઉસ કોર્પોેરેશનના મેનેજર મગન ઝાલાવડિયા સહિત 22ની ધરપકડ કરી છે. ત્યારે આ અંગે ફરિયાદ ન થાય તે માટે આ કૌભાંડના સૂત્રધાર મગન ઝાલાવડિયાએ કરેલા પ્રયાસોની ત્રણ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ છે. જેમાં તેણે ફરિયાદ થતી અટકાવવા માટે તંત્ર ઉપર દબાણ લાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હોવાનું સ્પષ્ટ સાંભળી શકાય છે. બીજી બાજુ ભાજપના નેતાઓ અને ચૂંટાયેલા સભ્યોના નામે પણ આ બંને વચ્ચે ફરીયાદનું નિવારણ કરવા અંગેની વાતચીત થઇ હોવાના મામલે ભાજપમાં પણ ખળભળાટ મચી ગયો છે. કથિત વાતચીતમાં પોતાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાના મામલે આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે, કૌભાંડો કરવા કે છાવરવાના અમારા સંસ્કાર નથી. પેઢલા મગફળી કાંડના દોષિતો સામે સખતમાં સખત પગલાં ભરવામાં આવી રહ્યા છે. મગન ઝાલાવાડિયાનો ઓડિયો ટેપ વાઈરલ થઇ છે. તેની પણ તપાસ કરાશે. સોમવારે મગન ઝાલાવાડિયાના તરઘડી ગામના નિવાસસ્થાને પોલીસે દરોડા પાડીને તપાસ શરૂ કરી હતી. દરોડા દરમિયાન કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે. જૂનાગઢ તાલુકા પંચાયતનો સભ્ય અને કૌભાંડના 10 દિવસ પહેલા જ ભાજપમાં જોડાયેલા માનસિંગ નામના શખસ સાથે મુખ? આરોપી મગન ઝાલાવાડિયા કરેલી વાતચીતમાં પોલીસ અને તંત્રના હાથ પોતાના સહિતના અન્ય આરોપીઓ સુધી પહોંચે તે પહેલાં પોતે બધું પતાવી દેવાની ગોઠવણ કરતો હોવાનું પણ આ ઓડિયો ક્લિપની વાત પરથી સ્પષ્ટ સમજી શકાય છે. રાજેશભાઇને કહી મોદીને ફોન કરાવી દો કે ગુનો દાખલ નથી કરવાનો ઓવા શબ્દો પણ તે આ ઓડિયો ટેપમાં ઉચ્ચારી રહ્યો છે. મુખ્ય આરોપી મગનભાઇ ઝાલાવાડિયા તોલુકા પંચાયતોના સભ્ય એવા માનસિંગભાઇને એવું કહેતા સંભળાય છે કે, હવે જો સમાધાનમાં જો કંઈ ગણિત હોય તો મેં નાફેડમાં વાત કરી લીધી છે. પણ મિનિસ્ટ્રી ગુનો દાખલ કરવાનું કહે છે. મિનિસ્ટ્રીમાં તમે કહેવડાવી દો કે પોલીસમાં તમે ટાઢું પાડી દો. કિરીટ પટેલને અને આપણા સાંસદ રાજેશભાઇને કહી ફોન કરાવી કહો કે પ્રેશર કરોમાં, અમે પૂરું કરી નાખશું. ઉપરથી ટાઢું પાડો એટલે બે દિવસમાં રસ્તો નીકળી જશે. સરકારમાંથી પ્રેશર બહુ છે. એફઆઇઆર કોણ કરે હું તો અહીં બેઠો છું, ચિંતા નથી કંઇ, તમારે સમાધાનનો મૂડ હોય તો મારી પાસે બપોર સુધીનો જ સમય છે. વધુ સમય મારી પાસે પણ નથી. મને ગુજકોટમાંથી ફરિયાદ દાખલ કરવાનો ફોન હતો. મેં કહી દીધું મને ઝાડા-ઊલટી છે. ત્રીજી ઓડિયો ક્લિપમાં મગનભાઈ કહે છે કે, ફરિયાદ દાખલ કરવા જેતપુર જાવ છું. કલેક્ટર રાહુલ ગુપ્તાનો ફોન મુક્યો હજી. ગમે તેમ કરીને કલેક્ટરને રોકો અને રોકાય એમ હોય તો મને જાણ કરો.