ગુજરાતમાં ઘેરાઈ રહેલું જળસંકટ, નર્મદાની સપાટીમાં સતત ઘટાડો

મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (13:09 IST)
ગુજરાત રાજ્યના મોટાભાગના જળાશયો તળિયા ઝાટક થયા છે. રાજ્યમાં સીઝનનો માત્ર 54.61 ટકા જ વરસાદ આવ્યો છે. ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાતમાં જળસંકટનો ભય વ્યાપી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ પાણીની અછતથી ખેડૂતો ચિંતિત છે. નર્મદા ડેમમાં પણ અઠવાડિયું ચાલે તેટલુ પાણી રહ્યું છે. કચ્છના 20 જળાશયોમાં માત્ર 9.69 ટકા જ પાણી બચ્યું છે.  ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી સતત ઘટી રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 111.07 મીટર છે. ગઇકાલે ડેમની સપાટી 111.17 મીટર હતી. ડેમમાં પાણીની આવક કરતા જાવક બમણી હોવાને કારણે સપાટી સતત ઘટી રહી છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો ગુજરાત પર વધુ એક વર્ષ જળસંકટ સર્જાઇ શકે છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 10 સે.મી.નો ઘટાડો નોંધાયો છે. હાલ ડેમમાં લાઇવ સ્ટોકનો માત્ર 57 એમસીએમ જથ્થો ઉપલબ્ધ છે. આ પ્રમાણે જ રહ્યું તો લાઇવ સ્ટોકનું પાણી પૂરું થઈ જશે અને સાત મહિનામાં બીજી વાર ડેડ સ્ટોકનું પાણી વાપરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જેથી સિંચાઈનું પાણી આપી નહીં શકાય. ઈન્દિરાસાગર ડેમ પણ હજુ 10 મીટર ખાલી છે. ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાય તો જ સરદાર સરોવરને પાણી મળી શકે તેમ છે. નર્મદા નદી પરના અન્ય ડેમની સ્થિતિ પણ ખરાબ છે.હવે જલ્દી વરસાદ પડે તો આ જળસંકટથી મુક્તિ મળે તેમ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર