ટ્રેડવોરથી કચ્છનો મીઠા ઉદ્યોગ બેહાલ: 60 લાખ ટનનો જંગી ભરાવો

Webdunia
ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2019 (13:56 IST)
અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધની અસર છેક ગુજરાતના કચ્છ સુધી પડી છે. ભારતના નમક ઉત્પાદનના કેન્દ્ર ગણાતા કચ્છમાં ઔદ્યોગીક વપરાશ માટેના મીઠાના ઢગ ખડકાયા છે. કચ્છના આ મીઠાના ચીનના રાસાયણીક એકમો મુખ્ય ગ્રાહક છે. અમેરિકા સાથેના વેપાર સંબંધો વણસતાં અને સમગ્રતયા વૈશ્ર્વિક અર્થતંત્રમાં સુસ્તીના કારણે ચીનના કેમીકલ ઉદ્યોગે ઉત્પાદનમાં કાપ મુકતા તેમની મીઠાની ડિમાન્ડ ઘટી છે.
સોફટ ઉત્પાદકોના જણાવ્યા મુજબ જુલાઈ અને ઓગષ્ટમાં નિકાસ છ લાખ ટન ઘટી હતી. દેશના મીઠાની નિકાસમાં કચ્છનો હિસ્સો 95% છે. મીઠાની નિકાસ મોટાભાગે કંડલા દીનદયાલ પોર્ટથી કરવામાં આવે છે. ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષના આરંભથી જ માંગ ઘટી રહી હતી, પણ મોટો ઘટાડો છેલ્લા બે મહિનામા જોવા મળ્યો છે, અને એ કારણે 60 લાખ ટન મીઠાનો ભરાવો થયો છે. એમાંથી 40 લાખ ટન નિકાસ માટેનું હતું.
કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેકચર્સના પદાધિકારીના જણાવ્યા પ્રમાણે જુલાઈમાં ચીનમાં મીઠાની નિકાસ પાંચ લાખ ટન ઘટી હતી અને ઓગષ્ટમાં વધુ 1 લાખ ટનનો ઘટાડો થયો હતો. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધના કારણે ચીનની કેમીકલ ફેકટરીઓએ ઉત્પાદન ઘટાડતાં તેમણે મીઠાની આયાત પણ ઘટાડી છે.
કચ્છમાં 60 લાખ ટન મીઠાના ઢગ ખડકાયા છે, એમાં 20 લાખ ટનનો જથ્થો રિફાઈનરી પાસે છે. કચ્છના એક મીઠા ઉદ્યોગકારના જણાવ્યા મુજબ કતાર અને દુબઈમાં નવું નિકાસ બજાર ઉભું થઈ રહ્યું છે. આબન્ને દેશોમાં કેમીકલ અને કોસ્ટીક સોડા કંપનીઓ સ્થપાઈ રહી છે. ચીનની માંગની ઘટ પુરવા અમે આ દેશો કચ્છનું મીઠું આયાત કરે તે સાથે અમે પ્રયાસો કરી રહ્યા છે. નિકાસ માટેના જથ્થાને હવે દેશમાં વેચવા પ્રયાસ થઈ રહ્યા છે. અન્ય એક ઉત્પાદકે જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે કેટલુંક મીઠુ ધોવાઈ જશે, અને હાલ ઉત્પાદન બંધ છે. કેટલાક મહીના પછી આ સ્ટોક દેશના બજારમાં ખપી જશે.
 
 
 
 

સંબંધિત સમાચાર

Next Article