નવી કૃષિ ક્રાંતિના નિર્માણ માટે પ્રાકૃતિક ખેતીના માધ્યમ દ્વારા ગુજરાત દેશને નવો રાહ ચીંધશે : નીતિન પટેલ

ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2019 (11:55 IST)
અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાને આવકારતાં કહ્યું કે, નવી કૃષિ ક્રાંતિ તરફ રાજ્યના ખેડૂતો આગળ વધી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહીત થયા છે તો ચોક્કસ આ ક્ષેત્રે પણ ગુજરાત દેશને રાહ ચીંધશે. તેમણે ઉમેર્યું કે, રાજ્યપાલશ્રી દ્વારા ખેડૂતોની ચિંતા કરીને તેમના કાર્યનો શુભારંભ ખેડૂત કલ્યાણની કામગીરીથી કર્યો છે તે માટે સરકાર વતી રાજ્યપાલનો આભાર માનતાં કહ્યું કે, ખેડૂતોના હિતને વરેલી મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ સરકારે અનેકવિધ પ્રયાસો ખેડૂતોની આવક વધારવા માટે કર્યા છે અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પણ સરકાર ચોક્કસ પ્રયાસ કરશે.
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતી જતી દેશની વસતીને ધ્યાને લઇને ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા આહવાન કર્યું છે ત્યારે ખેડૂતોને પણ ખેતી માટે સહાયરૂપ થવા અનેકવિધ યોજનાઓ બનાવી છે અને લાભો પૂરા પાડ્યા છે. ભારત એ ખેતી પ્રધાન દેશ છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા તેમના બજેટમાં મોટાભાગનો હિસ્સો ખેડૂતો માટે છે. ખેડૂતોને પૂરા પડાતા યુરિયા ખાતર માટે રૂ. ૯૦ હજાર કરોડ સબસીડી કેન્દ્ર સરકાર કંપનીઓને આપે છે અને ખેડૂતોને ઓછા ભાવે ખાતર પુરૂ પાડવામાં આવે છે. 
 
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે રાજ્યપાલશ્રી દ્વારા જે શરૂઆત કરાઇ છે એને રાજ્ય સરકાર ચોક્કસવેગ આપશે. તેમણે પાલેકરજીની પ્રાકૃતિક ખેતીને આવકારીને અભિનંદન આપતાં કહ્યું કે, ઓગ્રેનિકની જેમ પ્રાકૃતિક ખેતી પણ એક બ્રાન્ડ નેમ બને તે માટે ખેડૂતોએ આગળ વધવું જોઇએ. આ પદ્ધતિથી ખેડૂતો ખેતી કરશેતો ચોક્કસ ખેડૂતોની આવક વધશે એવો મને વિશ્વાસ છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિવારણ માટે પણ આ ખેતી પદ્ધતિ ચોક્કસ મહત્વનું પરિબળ પુરવાર થશે.
 
પદ્મશ્રી વિજેતા અને પ્રાકૃતિક ખેતીના હિમાયતી સુભાષ પાલેકરે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીને અપનાવવા માટે રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર કટિબદ્ધ બન્યુ હોય એ આજે પહેલો અવસર છે. આ માટે ગુજરાત સરકારનો હ્રદયપૂર્વક આભાર માનું છું. 
 
સુભાષ પાલેકરે જણાવ્યું હતું કે, આઝાદી પછીની તત્કાલિન સરકારે હરિત ક્રાન્તિને સ્વીકારી તેની પાછળનો ધ્યેય ખાદ્ય ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબન થવાનો હતો. જો કે કમનશીબે ખાદ્યાન્ન ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબનનો ધ્યેય કમનશીબે સાકાર નથી થઇ શક્યો. આપણે પ્રતિવર્ષ લાખો ટન ખાદ્યતેલ આયાત કરવું પડે છે. ભારતની વસતી આજે ૧૩૦ કરોડ છે અને વર્ષ ૨૦૩૦માં આંકડો ૧૫૦ કરોડ ઉપર પહોંચશે. અત્યારે ૨૬ કરોડ મે.ટન ખાદ્યાન્ન પેદા કરવું પડે છે તે વધારીને ૪૦ કરોડ મે.ટન કરવું પડશે. દેશમાં ૩૫ કરોડ એકર જમીન છે ત્યારે રાસાયણીક ખાતરથી ઉત્પાદન વધારી શકવું અશક્ય છે ત્યારે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે.
 
દિનપ્રતિદિન વધતી જતી સમસ્યાઓને પગલે અસ્તિત્વ જાળવવું મુશ્કેલ બન્યું છે. માનવસર્જિત આપત્તિઓથી આપણે ઘેરાયેલા છીએ. જળવાયુ પરિવર્તનના બદલાવને પગલે ઋતુચક્ર બદલાયું છે. તાજેતરમાં એક દિવસમાં ૧૮ ઇંચ જેટલા વરસાદ જેવી ઘટના બની છે તે જ પુરવાર કરે છે કે, ઋતુચક્રમાં બદલાવ આવ્યો છે. મહારાષ્ટ્રમાં જે ખેતરોમાં પાણી ભરાયા હતા ત્યાં સામાન્ય પદ્ધતિથી વાવેલી શેરડીને સંપૂર્ણ નુકશાન થયું અને સુભાષ પાલેકર પદ્ધતિથી વાવેલી શેરડીને કંઇ જ નુકશાન નહતું થયું એટલું જ નહીં સંતરા-મોસંબી-કપાસ જેવા ઉત્પાદનોમાં કોઇપણ જીવાત નહતી પડી તે જ પુરવાર કરે છે કે આ ખેતીએ એક સક્ષમ વિકલ્પ ઉભો કર્યો છે. 
 
સુભાષ પાલેકરે વધુમાં જણાવ્યું હતું કે, આજે પરંપરાગત ખેતી, રાસાયણીક, સજીવ, વૈદિક યોગિક અને પ્રાકૃતિક ખેતીના વિકલ્પ છે. તેમાં હવે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી એક સક્ષમ વિકલ્પ ઉભો થયો છે. આજે દેશમાં ૫૦ લાખ ખેડૂતો સુભાષ પાલેકર ખેતી કરે છે. આ પદ્ધતિમાં ખાતરની જરા પણ જરૂરત નથી. ખેતરમાં ૧ એકરમાં ૧૮ થી ૨૦ ગાડા ભરીને રાસાયણિક ખાતરની જરૂર પડે છે અને તેના માટે ૧૦ ગાયો પાળવી પડે. દેશમાં આ માટે ૩૫ કરોડ દેશી ગાયોની જરૂર પડે તેની સામે આપણી પાસે માત્ર આઠ કરોડ દેશી ગાયો છે. આ ગણિત જોતા હવે આપણે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. 
 
સુભાષ પાલેકરે જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીમાંથી ઉત્પન્ન થયેલો ઘાસચારો પશુઓને ખવડાવીએ છીએ તો તેમની વિષ્ટામાંથી પણ ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે આ પરિસ્થિતિ નિવારવા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. આ એવી પદ્ધતિ છે કે જેમાં ખાતર-બીજ કે બીજી કોઇ વસ્તુની જરૂર નથી પડતી. આ પદ્ધતિમાં ગાયનું છાણ-મુત્ર તથા અન્ય વસ્તુઓથી બનતુ જીવામૃતનો ઉપયોગ થાય છે. ખેડૂતો એક એકરમાં માત્ર ૧૦ ટકા પાણી હોય તો પણ પ્રતિવર્ષ રૂપિયા ૩ થી ૬ લાખ કમાઇ શકે તેવી આકર્ષક પદ્ધતિ છે. એક દેશી ગાય હોયતો ૩૦ એકર વિસ્તારમાં ખેતી થઇ શકે છે. ૧ દેશી ગાય એક દિવસમાં ૧૧ કિલો છાણ આપે છે જે એક એકર માટે પુરતુ છે. આ પદ્ધતિમાં ખાતરની જરૂર નથી. આ બાબત હવે સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ સ્વીકારી છે. સુભાષ પાલેકરે દેશી બીજ પેદા કરવા પણ આહવાન કર્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર