બે હજારની નોટ મામલે આરબીઆઇની ગાઈડલાઇન બાદ મંગળવારથી ખાતેદારો રૂપિયા 20 હજાર સુધીની રકમની બે હજારની નોટ જે તે બેંક પર જઇને બદલી શકશે. આ અગાઉની જાહેરાત બાદ 3 દિવસમાં કુલ 450 કરોડ સુધીની નોટો બેંકોમાં જમા થઈ છે.
પિપલ્સ કો.ઓપરેટિવ બેંકના એમ.ડી એ કહ્યુ કે દરેક બેંકોની પોતાની સિસ્ટમ છે. એસબીઆઇ જ્યાં પુરાવા લેવાનું નથી ત્યાં અમારી બેંકની બ્રાન્ચોમાં એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. રોજના અમે 50 ટોકન રાખ્યા છે. કેમકે બે હજારની નોટ સામે જે કરન્સી આવવી જોઇએ એ હાલ આવી નથી. ઉપરાંત તેઓએ કહ્યું કે અમારી બ્રાન્ચોમાં એવી સિસ્ટમ ઊભી કરાઈ છે કે કોઈ વ્યક્તિ દરેક બ્રાન્ચ પર જઇને નોટ બદલે તો પકડાઈ જશે.
બે હજારની મોટાભાગની નોટો ઉદ્યોગપતિઓ પાસે છે. જો તે કાળા નાણાં રૂપે હશે તો તેને બીજાના એકાઉન્ટમાં જમા કરીને તેને વ્હાઇટ કરવાનું કારસ્તાન ન ચાલુ થઇ જાય એની પર પણ નજર રાખવામા આવી રહી છે. જે લોકો નોટ બદલવાના છે તેના ડેટા પર પણ આઇટી નજર રાખી શકે છે.
બેકિંગ સૂત્રો કહે છે કે, બે હજારની નોટ જમા થયા બાદ તેને બદલામાં આરબીઆઇથી રૂપિયા 500 કે તેનાથી ઓછા દરની નોટનો ફ્લો આવવો પણ જરૂરી છે. બેંકો રોજ આરબીઆઇમાં રૂપિયા મોકલી શકશે નહીં. ઉપરાંત અનેક બેંકોમાં રૂપિયા રાખવા માટે પણ જગ્યા નથી એટલે બે હજારની વધુ નોટો આવી તો ક્યાં રાખવી એ પણ એક પ્રશ્ન ઊભો થશે.