ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ બેના મોત, સુરતમાં 46 વર્ષીય મહિલા અને 27 વર્ષીય યુવકનું મોત

ગુરુવાર, 11 મે 2023 (13:43 IST)
સુરતના સચિન વિસ્તારમાં એક જ દિવસમાં હાર્ટ એટેકની શંકાથી મોતની બે ઘટના સામે આવી છે. સચિનમાં 46 વર્ષીય મહિલા ટીવી જોતાં જોતાં ઢળી પડી હતી. બાદમાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે સચિનના જ 27 વર્ષીય યુવકનું શ્વાસની તકલીફ બાદ મોત થયું હતું. યુવકના પરિવારજને જણાવ્યું હતું કે, અમને સાઇલન્ટ એટેક જેવું જ લાગે છે. બંનેનાં મોતને લઈને પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. જો કે, હાલ તો બંનેનાં મોતને લઈને હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

સુરતના સચિનમાં કનકપુર વિસ્તારમાં 46 વર્ષીય નેના રાઠોડ પરિવાર સાથે રહેતાં હતાં. સોસાયટીમાં ઘર નીચે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યાં બાદ નેનાબેન ઘરમાં ટીવી જોઈ રહ્યાં હતાં. દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને ત્યાં જ ઢળી પડ્યાં હતાં. જેથી પરિવારજનો નેનાબેનને લઈ હોસ્પિટલ પહોંચ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે નેનાબેનને મૃત જાહેર કર્યા હતાં.નેનાબેનનાં મોતને લઈને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ નેનાબેનનાં મોતનું સાચું કારણ જાણવા મળશે. નેનાબેનનાં સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. નેનાબેનના મોતને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.બીજી ઘટના પણ સચિન વિસ્તારમાંથી જ સામે આવી છે. જેમાં 27 વર્ષીય વિકાસ જગદીશ લાખલાલ બહેન અને બનેવી સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો. એક મહિના પહેલાં જ રોજગારી અર્થે સુરત આવ્યો હતો. ત્યારબાદ ટેક્સટાઇલના વ્યવસાયમાં કામે લાગ્યો હતો. રાત્રે શ્વાસની તકલીફ અને પેટમાં દુખાવો થયો હતો.મૃતક વિકાસના સબંધી રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, રાત્રે પેટમાં અસહ્ય દુખાવો થયો હતો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જેથી પરિવારજનો હોસ્પિટલ લઈને દોડી ગયાં હતાં. જો કે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. વિકાસ એકદમ સ્વસ્થ હતો. રાત્રે જમ્યા બાદ દુખાવો શરૂ થયો હતો. જેથી એમને સાઇલન્ટ એટેક હોય તેવી અમને શંકા છે. હાલ તો પોસ્ટમોર્ટમ હાથ ધરાયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર