Gujarat Vidhansabha Chutani 2022 - સત્તાની ચાવી કોના હાથમાં? શું ભાજપને મળશે પાટીદારોના મત?

Webdunia
રવિવાર, 4 ડિસેમ્બર 2022 (00:24 IST)
ગુજરાતમાં, તમામની નજર ફરી એકવાર નાના પરંતુ પ્રભાવશાળી પાટીદાર (પટેલ) સમુદાય પર છે, જેણે શાસક ભારતીય જનતા પાર્ટી માટે 2017ની વિધાનસભા ચૂંટણી જીતવી મુશ્કેલ બનાવી દીધી હતી. પાટીદાર સમુદાય માટે અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી)નો દરજ્જો આપવા માટે હાર્દિક પટેલના નેતૃત્વમાં આંદોલનની અસર છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી હતી.
 
મોટાભાગના મતદારો ભાજપને આપશે મત 
રાજકીય વિશ્લેષકો માને છે કે મોટા ભાગના પાટીદાર સમાજના મતદારો આ વખતે ભાજપને મત આપશે, જ્યારે અનામતની માગણી કરી રહેલા આંદોલનના ભૂતપૂર્વ નેતાઓ માને છે કે પાટીદાર સમાજના ઘણા યુવા મતદારો આમ આદમી પાર્ટી (AAP) જેવા અન્ય વિકલ્પોને મત આપશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં, 182માંથી 150 બેઠકો જીતવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક હોવા છતાં, ભાજપ માત્ર 99 બેઠકો સાથે રાજ્યમાં સત્તા જાળવી રાખવામાં સફળ રહી. ભાજપ સામે હાર્દિક પટેલના તોફાની ચૂંટણી પ્રચારના પરિણામે વિપક્ષ કોંગ્રેસ 77 બેઠકો પર વિજયી બનીને ઉભરી હતી. 
 
 50 બેઠકો પર પાટીદારોનું વર્ચસ્વ છે
પાટીદાર સમાજના અંદાજ મુજબ ગુજરાતમાં 40 જેટલી બેઠકો એવી છે કે જ્યાં પાટીદાર મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કેટલાક સમુદાયના નેતાઓ દાવો કરે છે કે તેઓ 50 બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે. પટેલ સમુદાય ગુજરાતની વસ્તીના લગભગ 18 ટકા જેટલો હોવા છતાં, 2017માં 44 પાટીદાર ધારાસભ્યો ચૂંટાયા હતા, જે ગુજરાતના રાજકારણમાં તેમનો પ્રભાવ દર્શાવે છે.
 
સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ પાટીદાર મતદારો છે
સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોરબી, ટંકારા, ગોંડલ, ધોરજી, અમરેલી, સાવરકુંડલા, જેતપુર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ અને રાજકોટ દક્ષિણ બેઠકો સહિત નોંધપાત્ર સંખ્યામાં પાટીદાર મતદારો છે. ઉત્તર ગુજરાતની વિજાપુર, વિસનગર, મહેસાણા અને ઊંઝા વિધાનસભા બેઠકોમાં મોટી સંખ્યામાં પાટીદાર મતદારો છે. સાથે જ અમદાવાદ શહેરમાં આવી ઓછામાં ઓછી પાંચ બેઠકો છે, જેમ કે ઘાટલોડિયા, સાબરમતી, મણિનગર, નિકોલ અને નરોડા. દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં વરાછા, કામરેજ અને કતારગામ સહિત અનેક બેઠકો પાટીદાર સમાજના ગઢ ગણાય છે.
 
2017માં પાટીદાર આંદોલનને કારણે ભાજપને ઓછી બેઠકો મળી હતી
ઘણા માને છે કે તે પાટીદાર અનામત આંદોલન અને તેની સાથે સંકળાયેલા લોકોના ગુસ્સાને કારણે 2017 માં ઘણી પાટીદાર બહુમતીવાળી બેઠકો પર ભાજપની હાર થઈ હતી. જેમાં મહેસાણા જિલ્લાની ઊંઝા અને સૌરાષ્ટ્ર વિસ્તારની મોરબી અને ટંકારા બેઠકોનો સમાવેશ થાય છે. આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 41 પાટીદારોને ટિકિટ આપી છે, જે કોંગ્રેસની સંખ્યા કરતા એક વધુ છે. આમ આદમી પાર્ટીએ પણ મોટી સંખ્યામાં પાટીદારોને ટિકિટ આપી છે.
 
ભૂતકાળ ભૂલીને પાટીદાર સમાજ ભાજપને સાથ આપશે?
રાજકીય વિશ્લેષક રવિન્દ્ર ત્રિવેદીના મતે પાટીદાર સમાજ આ વખતે ભૂતકાળ ભૂલીને ભાજપને સમર્થન આપે તેવી શક્યતાઓ વધુ છે. ત્રિવેદીએ કહ્યું કે, '2022ની ચૂંટણી 2017 કરતાં અલગ છે, તે સમયે અનામત માટેનું આંદોલન ચૂંટણીનો મુખ્ય મુદ્દો હતો.  આ વખતે આંદોલનની કોઈ અસર જોવા મળી નથી.તેમણે કહ્યું, “ભાજપે ગયા વર્ષે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવીને પાટીદાર સમુદાયને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો અને જાહેરાત કરી હતી કે તેઓ ચૂંટણી પછી પણ આ પદ પર રહેશે. તેથી, ઘણા પાટીદારો વિચારી રહ્યા છે કે જો તેઓ તેમના સમુદાયના કોઈ નેતાને આગામી મુખ્યમંત્રી તરીકે જોવા માંગતા હોય, તો તેઓએ આ વખતે ભાજપને સમર્થન આપવું જોઈએ.
 
ગુજરાતમાં પાટીદારોની વસ્તી 18 ટકા છે.
જામનગરના સિદસર ઉમિયાધામ ટ્રસ્ટના પ્રમુખ જયરામ પટેલના જણાવ્યા અનુસાર, પાટીદાર સમુદાય ગુજરાતની વસ્તીના માત્ર 18 ટકા જેટલો છે, પરંતુ તેની સંખ્યા કરતા ઘણો વધારે પ્રભાવ ધરાવે છે. જો કે કોંગ્રેસ પણ પટેલોને સમર્થન આપે તેવી ધારણા છે. કોંગ્રેસના ગુજરાત એકમના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, "ખેડૂતોની સ્થિતિ, મોંઘવારી, બેરોજગારી, શાળાની અતિશય ફી, નબળી આરોગ્ય સુવિધાઓ દરેકને અસર કરતી હોવાને કારણે અમે માત્ર પાટીદારો જ નહીં, પરંતુ તમામ સમુદાયોના સમર્થનની અપેક્ષા રાખીએ છીએ."
 
સાથે જ  ભાજપના ગુજરાત એકમના પ્રવક્તા કિશોર મકવાણાએ કહ્યું કે, 'પાટીદારો હંમેશા ભાજપની સાથે રહ્યા છે. તેમના સમર્થનથી, ભાજપ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે અને ચૂંટણી પછી સરકાર બનાવશે.” પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિનેશ બાંભણિયાએ જોકે દાવો કર્યો હતો કે યુવા પટેલ મતદારો આ વખતે નવા વિકલ્પો શોધી શકે છે અને AAPને સમર્થન આપી શકે છે.

સંબંધિત સમાચાર

Next Article