પાર્ટીમાં અશિસ્ત કરીને પાછા આવી જઈશું તેવું માનતા હોય તો તેમને લેવાશે નહીંઃ સી.આર.પાટીલ

શનિવાર, 3 ડિસેમ્બર 2022 (19:09 IST)
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પ્રચાર દરમિયાન મોટું નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, અપક્ષ લડનારાને હવે ભાજપમાં સ્થાન નહીં મળે. ત્યારે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ બળવાખોરો સામે લાલ આંખ કરી છે. તેમણે કહ્યું હતું કે, કેટલાક ચાર પાંચ કાર્યકરો જે નારાજ થયા તેમણે ઉમેદવારી કરી છે પરંતુ પાર્ટીએ ચલાવી લીધું નથી. તેમની સામે પગલા લીધા છે. અમે કોઈ પણ ચમરબંધી કે અશિસ્ત ચલાવી લઈશું નહીં. સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી વખતે કેટલાક લોકો સામે ગયા અને જીત્યા તેમાંથી કોઈને પણ પાછા લીધા નથી. પાર્ટીમાં અશિસ્ત કરીને પાછા આવી જઈશું તેવું માનતા હોય તો તેમને લેવાશે નહીં. જીતે તો પણ તેમને પાર્ટીમાં લેવાશે નહીં.
 
શાંતિપૂર્ણ મતદાન થયું તે માટે મતદારોનો આભાર
પાટીલે કહ્યું કે, પ્રથમ તબક્કામાં થયેલા મતદાનથી મતદારોએ શાંતિપૂર્ણ રીતે મતદાન કરીને સહકાર આપ્યો તે બદલ આભાર વ્યક્ત કરું છું. પાર્ટીના કાર્યકરોએ પણ મતદારોની જે પ્રમાણે મદદ કરી તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પાર્ટીના પ્રચારની કમાન સંભાળી હતી. ગૃહમંત્રીએ પણ સતત અમદાવાદમાં રહી અને વિવિધ વ્યવસ્થાઓ કરી, સફળ મીટિંગ, રોડ શો, સભાઓ કરી તે બાબતે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. પહેલા તબક્કામાં જે કુલ મતદાન થયું તે 1 કરોડ 51 લાખ મતદાન નોંધાયું છે. 2017માં પણ આ જ 89 બેઠકો પર 1 કરોડ 41 લાખ મતદાન નોંધાયું હતું. જેથી 10 લાખ મત વધુ પડ્યા છે પરંતુ ટકાવારી પ્રમાણે ભલે ઓછું દેખાય છે. નવા મતદારો જોડાયા છે. તેથી મતદાન ઓછું દેખાયું છે.
 
મને ફાંસી થાય તો પણ વાઘોડિયાની જનતા માટે ચૂંટણી લડીશ
આ ઉપરાંત તેમણે કહ્યું કે ભાજપે મારી સાથે અન્યાય કર્યો છે. રૂપાણી, નીતિન પટેલ પાસે ચૂંટણી ન લડવા લખીને માગી લીધું. મારી પાસે પણ માગી લીધું હોત તો હું પણ હસતો હસતો જાન આપી દેત. મને જેલ થાય કે ફાંસી થાય વાઘોડિયાની જનતા માટે ચૂંટણી લડવાનો છું. આ ઉપરાંત તેમણે ડભોઇ બેઠકનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં કહ્યું ડભોઇના ધારાસભ્ય પહેલી વખત ચૂંટાયા હતા અને પાંચ વર્ષ સુધી પૂનમ ભરવી પડી હતી.
 
19 બળવાખોરોને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
જીતુ વાઘાણીના આ નિવેદનને લઈને રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે પાદરાના દિનેશ પટેલ અને વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ સહિતના દબંગો હાલમાં ભાજપની સામે ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપ વિરુદ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનાર મધુ શ્રીવાસ્તવ, દિનુમામા, ધવલસિંહ ઝાલા સહિત 12ને સસ્પેન્ડ કર્યા છે. ભાજપ વિરુદ્ધ ગયેલાને બરખાસ્ત કરવાની ચીમકી અગાઉ સીઆર પાટીલે આપી હતી. આ પહેલા પણ 7 જેટલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 19ને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે સસ્પેન્ડ થયેલામાંથી જે લોકો અપક્ષમાં લડે છે અને ચૂંટણી જીતી જાય તો તે કોને ટેકો આપશે એ હવે સમય જ બતાવશે પણ હાલમાં જીતુ વાઘાણીના નિવેદનથી અપક્ષોમા પણ વિચારવાનનો મુડ પેદા કરી દીધો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર