5 ડિસેમ્બરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ગત ચૂંટણી કરતા આ વખતે ઓછું મતદાન નોંધાયું છે, તેમ છતાં ગુજરાત કોંગ્રેસ ખુશ ખુશ દેખાઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે, પ્રથમ તબક્કામાં 65 સીટ પર કોંગ્રેસની જીતવાની સંભાવના છે. તો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ દાવો કર્યો છે કે પ્રથમ ચરણની ચૂંટણીમાં 55 બેઠકો પર કોંગ્રેસની જીત થશે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ સૌરાષ્ટ્રમાં 35થી વધુ સીટ કોંગ્રેસની આવશે તેવું જણાવ્યું છે.
પ્રથમ ચરણના મતદાનમાં 55 બેઠકો પર કોંગ્રેસની જીત પાક્કી હોવાનો દાવો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા અને રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા દ્વારા કરવામાં આવ્યો છે. તેમના દ્વારા ગતરોજ એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ભાજપની સ્થિતિ ખરાબ છે. ભાજપ વિરુદ્ધ લોકોનો આક્રોશ છે. અમને સારા પરિણામના ઈનપુટ મળી રહ્યાં છે. પ્રથમ તબક્કામાં 65 સીટ પર કોંગ્રેસની જીતવાની સંભાવના છે. કોંગ્રેસ 125થી વધુ બેઠકોનો ટાર્ગેટ પાર કરશે.આ ઉપરાંત રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ઓછા મતદાનથી ભાજપને નુકસાન થશે. સૌરાષ્ટ્રમાં 35થી વધારે સીટ કોંગ્રેસની આવશે. કોંગ્રેસની વોટબેંક ફિક્સ છે. મતદારો ભાજપથી નારાજ છે. ભાજપના કાર્યકરોએ પણ મતદાન કરાવ્યું નથી.