ગુજરાતમાં ચૂંટણી માહોલ છવાઈ ગયો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં ચૂંટણીયા મૂરતીયાઓ ટિકીટ માટે દોડાદોડ કરી રહ્યાં છે. કોંગ્રેસમાં અત્યાર સુધી જૂથવાદ હોવાનું મનાતું હતું પણ હવે ભાજપમાં પણ જૂથવાદનો કીડો પગપેસારો કરી ગયો છે. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે પધારવાના છે. આ સમયે સુરતમાં કોંગ્રેસમાં ભારે બળવાને હવા અપાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં મુસ્લિમને એક પણ ટિકિટ કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં નહીં આવે તેવી વિચારણા શરૂ કરવામાં આવતા કોંગ્રેસમાં બળવાની સ્થિતિ સર્જાઈ છે.
શુક્રવારે સુરતના જમનાનગર ખાતે આવેલા ઇશ્વર ફાર્મ ખાતે રાહુલ ગાંધી આગામી 3 નવેમ્બરની સુરત ખાતેની જાહેર સભાને લઈને ચર્ચા કરવા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના શૌકત મુનશીએ ભારે હોબાળો મચાવતા સન્નાટો છવાઇ ગયો હતો. આગામી 3 નવેમ્બરના રોજ વરાછા જળક્રાંતિ મેદાન ખાતે સાંજના સાત કલાકે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેરસભાનુ આયોજન કરવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતમાં મુસ્લિમની વસ્તી ખાસ્સી હોવા છતાં એક પણ મુસ્લિમને ટિકિટ અપાતી નથી આ બેઠકમાં શહેર કોંગ્રેસના આગેવાનો, કોર્પોરેટર સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. તેમાં રાહુલ ગાંધીની સભાને સફળ બનાવવા માટેની ચર્ચા ચાલી રહી હતી. ત્યારે અચાનક કોંગ્રેસના આગેવાન શૌકત મુનશી આવીને હોબાળો મચાવ્યો હતો. તેમાં તેઓએ જાહેરમાં કહ્યુ હતુ કે જે લોકો 3થી ચાર લાખ મતોથી હારી જાય છે તેવાને ટિકિટ આપવામાં આવે છે. નેતાઓની કદમપોશી કરનારાઓને ટિકિટ આપવામાં આવે છે તે સહિતના આક્ષેપો કર્યા હતા. તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મુસ્લિમની વસ્તી ખાસ્સી હોવા છતાં એક પણ મુસ્લિમને ટિકિટ અપાતી નથી તેમ કહ્યું હતું. શૌકત મુનશીએ જણાવ્યું હતું કે, મને સસ્પેન્ડ કરવો હોય તો કરી દેજો પરંતુ છેલ્લા 10 વર્ષમાં તમે એક પણ નવા કાર્યકરને કોંગ્રેસમાં તમે લાવી શકયા નથી. નેતાઓ સંગઠનને મજબુત કરવા કરવામાં ધ્યાન આપતા નહીં હોવાના કારણે કોંગ્રેસ જીતવાની બાજી હારી જતી હોય છે. જેથી ભારે હોબાળો મચી ગયો હતો.