પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલને મળવા માટે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ નિમંત્રણ આપ્યું હતું પણ હાર્દિકે રાહુલના નિમંત્રણને નકારી કાઢ્યું છે. હાર્દિક પટેલે રાહુલ ગાંધીને મળવાની ઓફર ઠુકરાવીને જાહેર કર્યું છે કે, હું સોમવારે રાહુલ ગાંધીને મળવાનો નથી.
આ દરમિયાન ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર તેના સમર્થકો સાથે ઔપચારિક રીતે કોંગ્રેસમાં જોડાશે. આ સાથે કોંગ્રેસે રાહુલના આ પ્રવાસને લઇને પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને પણ આમંત્રણ મોકલ્યું છે. જો કે હજુ આ અંગે કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે 22 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર રહેલ કોંગ્રેસ આ વખતે વિધાનસભામાં બહુમત જીતી સત્તા પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહી છે. કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીને લઇને યુવા શક્તિ સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે.