સુરતમાં કોંગ્રેસ રીસામણા મનામણાં કરવામાં સફળ, દર્શન નાયકનું સસ્પેન્સન રદ કરાયું

શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (09:42 IST)
વિધાનસભાની ચૂંટણી પૂર્વે દર્શન નાયકને ફરી પક્ષમાં સમાવાતા કાર્યકરોથી લઈને રાજકીય માહોલ ગરમાયો છે. છેલ્લા એકાદ વર્ષથી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા જિ.પં. સભ્ય અને જિલ્લા કોંગ્રેસ સમિતીના માજી પ્રમુખ દર્શન નાયકનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે. અને ફરી તેમની કોંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યાં છે. શિસ્તભંગ બદલ દર્શન નાયકને એકાદ વર્ષ અગાઉ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. ત્યારે હાલ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાં દર્શન નાયક મોટું માથું ગણાતું હોવાથી છેલ્લા ઘણા સમયથી તેમને મનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ ગતિવિધિઓના અંતે ફરી દર્શન નાયકની પક્ષમાં રિએન્ટ્રી થઈ છે. જેથી દર્શન નાયકના સમર્થિત કાર્યકરોમાં ઉત્સાહ ફેલાયો છે. જ્યારે દર્શન નાયકને કટ ટુ સાઈઝ કરનારા નેતાઓ અને તેમના કાર્યકરોના પેટમાં તેલ રેડાયાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા દર્શન નાયકને જિલ્લા કોંગ્રેસમાં સૌથી સક્રિય નેતાઓમાં એક મનાય છે. પરંતુ એકાદ વર્ષ અગાઉ કોઈક બાબતે વિખવાદ પડતા તેમણે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી જિલ્લાના ઘણાં ગામોમાં દર્શન નાયકને ફરી કોંગ્રેસમાં લેવા માટે મીટીંગ અને ચર્ચાઓ થઈ હતી. આ મામલે હાઈ કમાન્ડ સુધી વાત ગઈ હતી કે, જીલ્લામાં લડત આપી શકે એમ દર્શન નાયક છે. જેથી તેમને ફરી રિ એન્ટ્રી આપવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર