ગુજરાતમાં ઓસરી રહેલો મોદીવેવ, સભામાં ખુરશીઓ ખાલી રહેતા ભાજપમાં ચિંતા

Webdunia
સોમવાર, 4 ડિસેમ્બર 2017 (12:31 IST)
જે નરેન્દ્ર મોદીની સભામાં જવા લોકો સામેથી આવતા હતા, અને ભાષણ સાંભળવા કલાકો બેસી રહેતા આજે એ જ મોદીની સભામાં દ્રશ્યો કાંઈક જુદા જ જોવા મળ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 150+ના ટાર્ગેટને પહોંચવું મુશ્કેલ છે તેવું ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સમજી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેમને વારંવાર ગુજરાતમાં ભાજપને ચૂંટણી જીતાડવા માટે પ્રચાર કરવા આવવું પડી રહ્યું છે.

જ્યાં આજે ભરૂચના આમોદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ખાલીખમ ખુરશીઓ જોવા મળી હતી. તેમજ મોદીનું ભાષણ ચાલતુ રહ્યું અને લોકો ઊભા થઇ ચાલવા માંડ્યા હતા.હવે ગુજરાતની પ્રજા પણ જાણે નરેન્દ્ર મોદીના ભાષણો અને જાહેર સભામાં જવાનુ ટાળી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતની પ્રજાને હવે નરેન્દ્ર મોદીના ભાષણમાં રસ રહ્યો નથી કે પછી ભાજપના સ્થાનીક નેતાઓના કાર્યોથી નારાજ જનતા હાલ નરેન્દ્ર મોદીને પણ સાંભળવા તૈયાર નથી જોકે તે તો આવનાર સમય જ નક્કી કરશે. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની સભાઓ ધારી, જસદણ, આજની ભરૂચ ખાતેની સભા, જેમાં મોટી સંખ્યામાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી.ભરૂચ ખાતે આવેલા અમોદાની જીન મીલ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તો હતા જ, પરંતુ મોદી પ્રેમીઓની પાંખી હાજર જોવા મળી હતી. તેમજ જે લોકો જાહેર સભામાં આવ્યાં હતા, તે પણ મોદીના ચાલુ ભાષણમાં ઊભા થઇ ચાલતા થયા હતા. જોકે તેનું બીજુ કારણ એવું પણ મનાય છે કે મોદીએ જનતાને કલાકોની રાહ જોવડાવી હતી. જો ભાજપ વડાપ્રધાનની જાહેરસભામાં ખુરશીઓ ના ભરી શકતુ હોય તો વિધાનસભામાં 150+ ખુરશીઓ કેવી રીતે ભરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article