Okhi Cyclone = ગુજરાતમાં ઓખી વાવાઝોડાનો ખતરો,માછીમારોને દરિયો નહીં ખેડવા અપિલ

સોમવાર, 4 ડિસેમ્બર 2017 (12:09 IST)
અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુ નજીક ઓખી નામનું વાવાઝોડુ કેન્દ્રીત થયુ છે. આ વાવાઝોડુ તા.3 થી 7 ડિસેમ્બર સુધીમાં ભારતનાં દક્ષિણ-પશ્ચિમ તરફનાં કાંઠા વિસ્તારમાં અસર કરે તેવી હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે. જેના પગલે જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાનાં દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. જૂનાગઢ જિલ્લા કલેકટર વાવાઝોડાની અને વરસાદની સંભાવનાને લઇ માંગરોળ અને માળિયા હાટીના તાલુકાને હાઇએલર્ટ જાહેર કર્યો છે ઓખી’ વાવાઝોડા તેમજ વરસાદની આગાહીને પગલે દરીયામાં ફિશીંગ કરતા માછીમારોને સાવચેત કરાયા છે. ત્યારે માંગરોળની 40 બોટ પરત ફરી છે. જયારે 600 બોટ હજુ સમુદ્રમાં છે.

જો કે નુકસાન થયું હોય એવી કોઈ માહિતી આવી ન હોવાનું બોટ એસો.ના પ્રમુખ માધાભાઈ ભાદ્રેચાએ સાંજે જણાવ્યું હતું. બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બંદરે ફકત 200 બોટ લાંગરવાની ક્ષમતા હોય, ફિશિંગમાં ગયેલી માંગરોળની તમામ બોટો પરત ફરે તો તેને લાંગરવાની મુશ્કેલી સર્જાય શકે. આવા સંજોગોમાં બોટોને વેરાવળ, પોરબંદર, ઓખા બંદરે લાંગરવી પડે. જયાં બોટોના અતિશય ભરાવા અને ભારે પવન વચ્ચે ફિશીંગ બોટોમાં નુકશાનની શકયતા પણ નકારી શકાતી નથી. ઓખી ચક્રવાતના કારણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં કલાકના 65 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાશે. બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. જેથી તેની સીધી અસર ઠંડી પર પડી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર