તાજેતરમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યાર બાદ મુંબઈમાં ટીમની વિક્ટરી પરેડ યોજાઈ હતી. હવે ભારતીય ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાનો આજે વડોદરા શહેરમાં વિક્ટરી રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં હાર્દિક પંડ્યા સાથે તેનો પરિવાર પણ જોડાયો. ત્યારે માંડવીથી શરૂ થયેલો આ રોડ શો નવલખી મેદાન ખાતે સંપન્ન થવાનો છે.
આ રોડ શો દરમિયાન 7 DCP, 14 ACP, 50 PI, 86 PIS, 1700 જવાન, 1 હજાર હોમગાર્ડ અને 3 SRPની ટુકડી તેમજ શહેર બહારથી 3 SRPની ટુકડી, 1 SP, 7 ACP, 5 PI અને 5 PSI કક્ષાના અધિકારી તૈનાત જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત રોડ શોમાં હાર્દિક પંડ્યાની સુરક્ષા માટે 50 બાઉન્સર અને ગણેશ મંડળોના 1 હજારથી વધુ સ્વયંસેવકો ઉપસ્થિત છે. કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેટરો અને રાજકીય આગેવાનોને આમંત્રણ અપાયું છે.
ચાહકોની ભીડને કંટ્રોલ કરવા પોલીસ માટે મુશ્કેલ
વિક્ટરી રોડ શો માટે મુંબઇથી હાર્દિકની ખાસ ટીમ ગત રાત્રે વડોદરા પહોંચી હતી અને રેલીના આયોજન માટે તે માર્ગદર્શન આપી રહી છે. બીજી તરફ રોડ શો માટેની વિશેષ બસ કચ્છથી આજે વડોદરા આવી પહોંચી હતી. જેને ક્રિકેટરોનાં ચિત્રો અને ભારતીય ટીમના વિજય પછી સર્જાયેલા દૃશ્યોનાં ચિત્રો બસ પર કંડારવામાં આવ્યા છે. હાર્દિકને જોવા ઉમેટી પડેલા ચાહકોની ભીડને કંટ્રોલ કરવા પોલીસ માટે મુશ્કેલ સાબિત થઈ રહી છે.