દરેક મા-બાપનું સપનું હોય છે કે પોતાનો પુત્ર ભણીગણીને ડોક્ટર બને. પરંતુ આ સપનું ક્યારેક પુરૂ થાય છે તો ક્યારેક સપનું પુરૂ કરવા માટે વિદેશની ધરતી પર જવું પડે છે. ખાસકરીને ગુજરાતના વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો ગુજરાતમાં મેડિકલના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે છે. જ્યારે તેની સામે મેડિકલની બેઠકો ખૂબ ઓછી છે. જેથી કરીને ગુજરાતના વિદ્યાર્થીઓને મેડિકલનો અભ્યાસ કરવા ગુજરાત બહાર જવાની ફરજ પડે.
હવે સવાલ એ છે કે જો ગુજરાતમાં મેડિકલની સીટો ઓછી છે તો વિદ્યાર્થી અન્ય રાજ્યમાં જઇને પણ અભ્યાસ કરી છે. પરંતુ કહેવાય છે ને કે ગુજરાતી પાક્કા બિઝનેસમેન હોય છે એકદમ ગણતરીબાજ. એટલા માટે ગુજરાતી વિદ્યાર્થીઓની ગણતરી મુજબ અન્ય રાજ્યોમાં ગુજરાત કરતાં મેડિકલ કોલેજોની ફી વધારે છે. જેથી કરીને તેઓ યૂક્રેન જવાનું પસંદ કરે છે કારણ કે તેઓ ગુજરાત કરતાં ચાર ગણી ઓછી ફીમાં ડોક્ટર બની શકે છે.
એક અંદાજ મુજબા દર વર્ષે ભારતમાં 18 જેટલા વિદ્યાર્થીઓ યૂક્રેન અભ્યાસ માટે જાય છે જેમાંથી 5 હજાર જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતના હોય છે. અમે તમને જણાવીએ કે માત્ર ફી જ નહી પરંતુ બીજા ઘણા ફાયદા હોવાથી ગુજરાતના મેડિકલના વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી યૂક્રેન હોય છે. આવો વિગતવાર જાણીએ.
સૌથી મોટું કારણ ફી છે. યૂક્રેનમાં ગુજરાતમાં કરતાં ચાર ગણી ઓછી ફી છે. બીજું યૂક્રેનમાં મેરિટની સમસ્યા હોતી નથી. આ ઉપરાંત ભારતની એક વર્ષની ફીમાં યૂક્રેનમાં ચાર વર્ષનો કોર્ષ પૂર્ણ થઇ જાય છે. યૂક્રેનની આસપાસ જેમ કે પોલેન્ડ, બેલારૂસ, રશિયા, હંગેરી, યૂક્રેન, રોમાનિયા અને માલદોવા મેડિકલ માર્કેટ છે.
મેડિકલનો અભ્યાસ કરવા માટે જતાં વિદ્યાર્થીઓને યૂક્રેનમાં નીટની એકઝામ આપવી પડતી નથી. જેથી તેમનો માર્ગ સરળ બની જાય છે. ભારતમાં એમબીબીએસ ડોક્ટર બનવાનો ખર્ચ 1 કરોડ જેટલો છે. ત્યારે યૂક્રેનમાં આ ખર્ચ માત્ર 22 લાખ રૂપિયા છે.
દર વર્ષે અંદાજે 5 હજાર જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ યૂક્રેન જાય છે. આ વર્ષે 5600 વિદ્યાર્થીઓ યૂક્રેન ગયા હતા. એક વિદ્યાર્થી દીઠ અંદાજે 15 થી 25 લાખ રૂપિયા ખર્ચ થાય છે. જો આનો હિસાબ માંડવા બેસીએ તો એક અંદાજ મુજબ ગુજરાતના 1100 કરોડ રૂપિયા યૂક્રેન જાય છે. એટલે કે મેડિકલના અભ્યાસ માટે યૂક્રેન મોટું હબ બની ગયું છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ભારતમાં વર્ષોથી મેડિકલના કોર્સ ચાલે છે એ જ છે. જ્યારે યૂક્રેનમાં મેડિકલ એજ્યુકેશન સિસ્સ્ટમ અપડેટ અને ઇઝી છે. ભારતમાં સરકારી અને પ્રાઇવેટ કોલેજો ક્લાસિસ ચલાવે છે. જ્યારે યૂક્રેનમાં કોલેજ, યૂનિવર્સિટી, ક્લાસીસ બધુ જ સરકારી છે. ભારતમાં મેડિકલનો કોર્સ સાડા ચાર વર્ષનો જ્યારે યૂક્રેનમાં મેડિકલનો કોર્સ 5 થી 6 વર્ષનો છે. આ પ્રકારે ગુજરાત કરતાં યૂક્રેનમાં ખર્ચ ઉપરાંત બીજા અન્ય લાભ મળતા હોવાથી ગુજરાતના મેડિકલના વિદ્યાર્થીઓ યૂક્રેન જવાનું પસંદ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે હાલમાં રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોવાથી સરકાર દ્વારા ઓપરેશન ગંગા ચલાવી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓનો અભ્યાસ અધુરો છૂટી ગયો છે. નેશનલ મેડિકલ કમિશનના નિયમ મુજબ વિદેશની કોઈપણ યુનિવર્સિટીમાંથી ભારતમાં એડમિશન ટ્રાન્સફર થઈ શકે નહીં. બીજી વાત, યુક્રેનમાં MBBS કરવું હોય તો 6 વર્ષનો કોર્સ છે અને બે વર્ષ ઈન્ટર્નશિપ કરવી પડે, એટલે 8 વર્ષ થાય. નિયમ એવો છે કે MBBSના સ્ટુડન્ટ્સે કોર્સ શરૂ કર્યાના દસ વર્ષમાં પ્રેક્ટિસ માટે અપ્લાય કરી દેવું પડે. જો દસ વર્ષમાં પ્રેક્ટિસ માટે અપ્લાય ન થાય તો MBBSની ડીગ્રી આપોઆપ રદ થયેલી ગણાય. ત્યારે મોટો સવાલ એ છે જે વિદ્યાર્થીઓ યૂક્રેનથી પરત ફર્યા છે તેમના ભવિષ્યનું શું? જો યૂક્રેનથી ભારત ફરેલા વિદ્યાર્થીઓ માટે કોઈ નિયમ બનાવાય તો વાત અલગ છે, એટલે યુક્રેનથી ભારત આવેલા મેડિકલ સ્ટુડન્ટ્સનું ભવિષ્ય ધૂંધળું છે.