વડોદરામાં ખુલ્લી જમીનમાં દબાણ કરનાર હોટલ-માલિકે ડેપ્યુટી મેયર પર ગેસ-સિલિન્ડર ફેંક્યું

Webdunia
મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (16:09 IST)
વડોદરા શહેરના કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન સામે રાણા સમાજની જમીન પર ગેરકાયદે ચાલતી હોટલની મુલાકાતે ગયેલા ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન સામે માથાભારે હોટલ-માલિકે ગેસ-સિલિન્ડરનો છુટ્ટો ઘા કર્યો હતો. આ ઉપરાંત માથાભારે શખસે ડેપ્યુટી મેયર સહિત કાઉન્સિલરોને બીભત્સ અપશબ્દો બોલી ચાકુ બતાવી આપઘાત કરી લેવાની ચીમકી ઉચ્ચારી પોતાની હોટલને તોડતા બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હોદ્દેદારોએ નમતું જોખવાને બદલે તાત્કાલિક દબાણ શાખાની ટીમને સ્થળ પર બોલાવી દબાણો દૂર કરાવ્યાં હતાં.વડોદરામાં દબાણ દૂર કરવા પહોંચેલા ડેપ્યુટી મેયર અને કોર્પોરેશનના પદાધિકારીઓ પર એલપીજી સિલિન્ડર ફેંકાતાં શહેરમાં ચકચાર મચી છે. આ મામલે વડોદરાના મેયર કેયૂર રોકડિયા પણ કલેક્ટર કચેરીઓ પહોંચ્યા હતા અને કલેક્ટર હસ્તક આવતી જમીનમાં જે દબાણો છે એને દૂર કરવામાં આવે એવી રજૂઆત કરી હતી. મેયર કેયૂર રોકડિયાએ જણાવ્યું હતું કે જે લોકોએ ડેપ્યુટી મેયર અને પદાધિકારીઓ પર હુમલો કર્યો છે તેમને પોલીસે પકડી લીધા છે. આજે "આફતાબ એ મૌસિકી" સ્વ. ઉસ્તાદ ફૈયાઝખાંની જન્મ જયંતિ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેઓની બહુચરાજી રોડ પર આવેલી મજાર ઉપર સવારે મેયર કેયૂર રોકડિયાના હસ્તે ચાદર અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નંદાબેન જોષી, સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, કાઉન્સિલર મનોજ પટેલ (મચ્છો), શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ વિગેરે જોડાયા હતા.આ કાર્યક્રમ બાદ ડેપ્યુટી મેયર નંદાબેન જોષી, સ્થાયિ સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાનિક કાઉન્સિલરો મનોજ પટેલ (મચ્છો) શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન સામે આવેલી રાણા સમાજની જમીનમાં ગેરકાયદેસર ચાલતી હોટલના સ્થળની મુલાકાતે ગયા હતા. જ્યાં ડેપ્યુટી મેયર નંદાબેન જોષી અને સ્થાયિ સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે ગેરકાયદે બાંધકામ કરીને હોટલ ચલાવતા માથાભારે હુસેન સુન્ની પાસે જમીનની માલિકી અને હોટલની પરવાનગી વિશેના પુરાવા માંગતા હોટલ માલિક હુસેન રોષે ભરાયો હતો. કોર્પોરેશનના હોદ્દેદારોને બિભત્સ અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું. આજે કાસમઆલા કબ્રસ્તાન સામે ગેરકાયદે હોટલ ચલાવનાર શખ્સ દ્વારા કરવામાં આવેલ ગેરવર્તણૂક કોર્પોરેશન દ્વારા ચલાવી લેવામાં આવશે નહીં. આ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

Next Article