કોરોના સામે રસીકરણથી તેની ઘાતકતા ઓછી થવા સાથે ત્રીજી લહેરનો સમયગાળો પણ થશે ઓછો
મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (16:02 IST)
રસીકરણ અભિયાન રામબાણ ઇલાજ, રસીકરણથી તેની ઘાતકતા ઓછી થવા સાથે ત્રીજી લહેરનો સમયગાળો પણ થશે ઓછો
બીજી લહેરમાં ઘાતક સાબીત થયેલા કોરોના વાયરસ સામે સરકારનું રસીકરણ અભિયાન રામબાણ ઇલાજ પૂરવાર થયું છે. કોરોનાની ત્રીજી લહેર પહેલા જ વડોદરા જિલ્લામાં મહત્તમ નાગરિકોને રસીનું કવચ આપી દેવામાં આવતા તેનો ચેપ લાગ્યો હોવા છતાં દવાખાનામાં દાખલ થવાની જરૂર પડતી ન હોવાનું ચિત્ર ઉપલબ્ધ આંકડાઓ જોતા ઉપસી રહ્યું છે.
ગત્ત વર્ષમાં આવેલી કોરોના વાયરસની બીજી લહેરનો સમયગાળો માર્ચ-૨૧થી ઓગસ્ટ-૨૧નો ગણીએ તો એ છ માસ દરમિયાન એસએસજી હોસ્પિટલમાં કોરોના વાયરસના કૂલ ૯૧૪૨ દર્દીઓને ઇનડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા. ગત્ત માર્ચ અને મે માસમાં કોરોના વાયરસનું સંક્રમણ ટોચ ઉપર હતું.
બીજી લહેરના છ માસના સરેરાશ ધ્યાને લેવામાં આવે તો પ્રતિ માસ ૧૫૨૪ દર્દીઓને એસએસજીમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે જાન્યુઆરી-૨૨થી શરૂ થયેલી ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં માત્ર ૪૧૭ દર્દીઓને દાખલ થવાની જરૂર પડી છે. ક્યાં સરેરાશ ૧૫૨૪ અને ક્યાં ૪૧૭ ! આ રસીકરણનો જ પ્રતાપ છે.
બીજી લહેરના ઉક્ત છ માસ દરમિયાન એસએસજીમાં દાખલ કોરોના કૂલ દર્દીઓ પૈકી ૩૧થી ૪૦ વય જૂથના ૧૦૯૪, ૪૧થી ૫૦ વર્ષના ૧૬૯૯, ૫૧થી ૬૦ વર્ષના ૨૨૫૮, ૬૧થી ૭૦ વર્ષના ૨૦૨૧ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. એને બીજા શબ્દોમાં એમ કહી શકાય કે, દાખલ થયેલા દર્દીઓ પૈકી ૪૭ ટકા દર્દીઓ ૫૧થી ૭૦ વર્ષની વય ધરાવતા હતા. તેની સાપેક્ષે માત્ર ૪૦ બાળકોને કોરોના થયો હતો. આવા બાળકોમાં મહત્તમ નિયોનેટલ હતા.
એથી એવું માનવામાં આવતું હતું કે ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધુ અસર થશે. પણ, અત્યારે ત્રીજી લહેર ચાલુ છે, પણ બાળકોને કોરોના થવાના કેસો ઓછા છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધુ પૂરવાર થઇ છે.
એએસજીના બાળરોગ વિભાગના અધ્યક્ષા ડો. શિલા અય્યરે જણાવ્યું કે, અમારે ત્યાં અત્યાર સુધીમાં કૂલ ૮ કોરોનાના બાળદર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. તે પૈકી ૨ તો માત્ર ૪૦ દિવસની આયુ ધરાવતા હતા. આ ઉપરાંત કોરોનાગ્રસ્ત ૧૫ ગર્ભવતી મહિલાઓની પ્રસુતી થયા બાદ ૯ બાળકોના ટેસ્ટ કરાતા તેઓ પણ પોઝિટિવ આવ્યા હતા. પણ, તેમાં કોઇ લક્ષણ જણાયા નહોતા. આ બાળકોને માતૃસંવેદનાથી સારવાર આપી કોરોનાથી મુક્ત કરવામાં આવ્યા છે.
હવે બીજી રસપ્રદ વાત એ છે કે, ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં ૪૧૭ દર્દીઓને એસએસજીમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે પૈકી ૧૯૬ પુરુષો અને ૨૨૧ મહિલાઓ હતા. દાખલ થયેલા દર્દીઓમાં ૧૭.૫૧ ટકાની ઉંમર ૬૧થી ૭૦ વર્ષની હતી.
કોરોના વાયરસની ત્રીજી લહેરનો ડેઇલી કમ્પાઉન્ડ ગ્રોથ રેશિયાનો આંક હવે નીચો જઇ રહ્યો છે. એટલે કે, પ્રતિદિન કોરોનાના કેસ ઘટી રહ્યા છે. એથી એવું કહેવામાં અતિશિયોક્તિ નથી કે ત્રીજી લહેરનો સમયગાળો ઓછો થઇ જશે. પરંતુ, હજુ પણ સાવચેતી તો રાખવાની જ છે.