ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી માવઠું, ખેડૂતોની ચિંતા વધી

Webdunia
શનિવાર, 2 માર્ચ 2024 (13:29 IST)
આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોમસી વરસાદ શરૂ થયો છે. રાજ્યના હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં માવઠું થયું છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થતા સૌથી વધુ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી જીરું,રાયડો, બટાટા, એરંડા અને ઘઉં સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. ખેડૂતોને પાકોમાં નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. 
 
હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા, ડીસા, પાલનપુર, ભીલડી, દિયોદર, ભાભર, કાંકરેજ, થરાદ, સૂઇગામ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદને કારણે રાયડો, જીરું, વરિયાળી, બટાકા, ઘઉં સહિતના પાકમાં નુકસાનની ભીતિ બની છે. આકાશમાં કાળા વાદળો અને વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વરસાદની શરૂઆતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મહેસાણાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઊંઝામાં વહેલી સવારથી વરસાદી છાંટા થતા ખેતીમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. વરસાદી માહોલથી જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. 
 
મહેસાણા શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.જામનગરના ગ્રામ્ય વિસ્તાર,પોરબંદર, દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં હવે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થઇ શકે છે. દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુરમાં કમોસમી વરસાદ ઝાપટાં શરૂ થયા છે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટાની સાથે યાત્રાધામ શામળાજીમાં વરસાદી ઝાપટું પડ્યુ હતુ. આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે.

સંબંધિત સમાચાર

Next Article