સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી બિલ ગેટ્સ બોલ્યા: સરદાર સરોવર ડેમનો અદ્દભૂત નજારો નિહાળ્યો

શનિવાર, 2 માર્ચ 2024 (11:59 IST)
Bill Gates Visits Statue Of Unity


- બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બનવાની સાથે જ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા 
- સરદાર સરોવર નર્મદા ડેમ નિહાળી તેઓ અચંબિત થઇ ગયા હતા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા આદિવાસી વિકાસ, મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસની સરાહના કરી
 
માઇક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક અને જાણીતા ફિલાન્સ્ટ્રોપિસ્ બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બનવાની સાથે જ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. એન્જિનિયરિંગ માર્વલ એવા સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા અને સરદાર સરોવર નર્મદા ડેમ નિહાળી તેઓ અચંબિત થઇ ગયા હતા. મુલાકાત બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા આદિવાસી વિકાસ, મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસની સરાહના કરી હતી.

એકતાનગર ખાતે પહોંચેલા બિલ ગેટ્સ હેલીપેડ ખાતે ઉતરી સીધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચ્યા હતા. જ્યાં વોક વે પરથી તેમણે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નીચે તસવીર ખેંચાવી હતી. બાદમાં તેઓએ સ્ટેચ્યુના પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી. અહીં માર્ગદર્શકો દ્વારા બિલ ગેટ્સને આ પ્રતિમાનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું ? વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પથી સમગ્ર દેશમાં કેવી રીતે ખેત ઓજારો એકત્ર કરવામાં આવ્યા તે સહિતની રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી હતી.આ ઉપરાંત આઝાદી બાદ દેશી રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર સાહેબની ભૂમિકા અને તે બાદ એક ભારતના નિર્માણની ગાથા વર્ણવામાં આવી હતી. તે વિગતો બિલ ગેટ્સને બહુ જ રસપ્રદ લાગી હતી.

તત્પશ્ચાત તેઓ વ્યુઇંગ ગેલેરીમાં પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે સરદાર સરોવર ડેમનો અદ્દભૂત નજારો નિહાળ્યો હતો. આ ડેમના નિર્માણથી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને મળતા પાણી ઉપરાંત વિદ્યુત ઊર્જાના ઉત્પાદનની જાણકારી તેમને આપવામાં આવી હતી.બિલ ગેટ્સે મુલાકાત પોથીમાં નોંધ પણ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, “અદ્દભૂત ઇજનેરી કૌશલ્ય! બહુ જ સુંદર! સરદાર પટેલને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ! મહેમાનગતિ માટે આભાર!” આ સખાવતી મહેમાનની સૌથી રસપ્રદ મુલાકાત આરોગ્યવન ખાતેની બની રહી હતી. ત્યાં મહિલા સખી મંડળો દ્વારા ચલાવવામાં આવતા સ્ટોલની મુલાકાત લીધી હતી. અહીં વાંસ બનાવટ, આયુર્વેદિક દવાઓ, વનઉત્પાદનોના વેંચાણ થકી પગભર થયેલી મહિલાઓ સાથે તેમણે સંવાદ સાધ્યો હતો.
Bill Gates Visits Statue Of Unity

આરોગ્યવન ખાતે સખી મંડળ દ્વારા ચલાવવામાં આવતા કાફેટેરિયામાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા ગુજરાતી વ્યંજનો જેવા કે ખીચુ, ગોટા, થેપલા સહિત શ્રીઅન્નની વિવિધ વાનગીઓ પીરસવામાં આવી હતી. ખાસ તો લાડુ તેમને વિશેષ પ્રિય લાગ્યા હતા. અહીં તેમણે પિન્ક ઓટોની મહિલા વાહનચાલકો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો.આ વેળાએ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, એસએસએનએલના વહીવટી સંચાલક મુકેશ પૂરી, એસઓયુના સીઇઓ ઉદિત અગ્રવાલ, કલેક્ટર શ્વેતાબેન તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માધુ ઉપસ્થિત રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર