અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે ક્રિકેટ મેચ રમાવાની છે. ત્યારે આ મેચ અગાઉ શહેરના ખાનપુર વિસ્તારમાંથી નકલી ટીકિટો વેચતા ત્રણ લોકો ઝડપાયા છે. પોલીસે 23 ટિકીટો કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા બંને આરોપીઓ કિશોર વયના છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે બે છોકરાઓ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ડુપ્લીકેટ ટિકીટો વેચવા ખાનપુરથી રીવરફ્રન્ટ તરફ જતાં રોડ પર કોઈ ગ્રાહકની રાહ જોઇ રહ્યાં છે. ક્રાઈમ બ્રાંચે બંને છોકરાઓને પકડીને પુછપરછ કરી હતી. જેમાંથી એક છોકરાની તપાસ કરતાં તેના પેન્ટના ખિસ્સામાંથી એક મોબાઈલ ફોન તથા 12 નંગ નકલી ટીકિટો મળી આવી હતી. તે ઉપરાંત બીજા કિશોર વયની ઉંમરના છોકરાના ખિસ્સામાંથી એક મોબાઈલ અને 11 નંગ નકલી ટીકિટો મળી હતી. આ બંને જણાએ પોલીસની પુછપરછમાં જણાવ્યું હતું કે તેમણે વિક્કી ચૌહાણ નામના વ્યક્તિ પાસેથી એક હજારના ભાવે આ ટીકિટો ખરીદી હતી અને 18 હજાર રૂપિયાની એક ટીકિટના ભાવે તેઓ વેચતા હતાં.
પોલીસે તેમની પાસેથી 23 નંગ નકલી ટીકિટો અને બે મોબાઈલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે. બે દિવસ પહેલાં જ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ ડુપ્લિકેટ બનાવીને વેચતા 4 યુવકની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ચારેય યુવક કલર પ્રિન્ટર મારફત ટિકિટની પ્રિન્ટ કાઢીને વેચવા માટે પ્રયાસ કરતા હતા. આ સમગ્ર રેકેટમાં સંખ્યાબંધ ટિકિટો બજારમાં વેચાઈ ગઈ હોય એવી વિગતો સામે આવી રહી છે. પકડાયેલા આરોપીઓ યુવાનો છે, જે માત્ર 18થી 19 વર્ષના છે. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોઈએ કઈ રીતે ટિકિટ વેચી હતી એ શોધવાનું પણ શરૂ કર્યું છે. યુવકોએ કઈ રીતે આખી યોજના ઘડી એ અંગે પણ પૂછપરછ હાથ ધરાઈ છે.