નવસારીના વાંસદાના કૉંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ લોકોના પ્રશ્નોને લઈ હંમેશાં ચર્ચામાં રહેતા હોય છે. જોકે હાલ તેનો એક અજગર સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વાંસદા તાલુકાના એક ગામમાં ઘરની અંદર અજગર ઘૂસી ગયો હોવાની જાણ અનંત પટેલને થતાં જ અનંત પટેલ રેસ્ક્યૂ ટીમના લોકો સાથે ગામમાં પહોંચ્યા હતા અને અજગરને આંખના પલકારામાં જ ઝડપી પાડી સલામત સ્થળે મુક્ત કર્યો હતો.
વાંસદા તાલુકાના સિણધઈ ગામમાં રહેતા મયૂર પટેલના ઘરમાં નવ ફૂટ લાંબો પાયથન પ્રજાતિનો અજગર ઘૂસી આવ્યો હતો. આ વાતની જાણ એનિમલ રેસ્ક્યૂની ટીમને થતાં જેસલ વાઘેલા નામના યુવાન તેમની ટીમ સાથે અજગરનું રેસ્ક્યૂ કરવા જઈ રહ્યા હતા. આ સમયે ધારાસભ્ય અનંત પટેલ મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોઈ, તેમની રેસ્ક્યૂ ટીમના સભ્યો સાથે મુલાકાત થઈ હતી. ટીમ અજગરનું રેસ્ક્યૂ કરવા જઈ રહી હોવાની જાણ થતાં અનંત પટેલ પણ તેમની સાથે જોડાયા હતા અને સિણધઈ ગામ પહોંચ્યા હતા. અહીં જે ઘરમાં અજગર ઘૂસ્યો હતો ત્યાં રેસ્ક્યૂ ટીમના સભ્યોની સાથે જઈ અનંત પટેલે એક જ પ્રયાસમાં અજગરનું રેસ્ક્યૂ કરી લીધું હતું.આ બહુ ઓછા લોકો જાણતા હશે કે અનંત પટેલ જ્યારે ધારાસભ્ય નહોતા ત્યારે ઉનાઈની જંગલ ક્લબ નામની NGOના સભ્ય હતા. જે-તે સમયે સમયે તેઓ જંગલી પશુઓ અને પ્રાણીઓને સુરક્ષિત રીતે રહેણાક વિસ્તારોમાંથી રેસ્ક્યૂ કરી જંગલમાં મૂકવાની કામગીરી કરતા હતા. જોકે ત્યાર બાદ તેઓ રાજકારણમાં આવ્યા, પછી વ્યસ્ત બન્યા, પરંતુ જંગલી પશુ અને પ્રાણીઓનું રેસ્ક્યૂ કરવાની કામગીરી ભૂલ્યા નથી, એનું ઉદાહરણ સિણધઈ ગામમાં જોવા મળ્યું હતું. સામાન્ય રીતે નેતાઓ અને રાજકીય આગેવાનો જાહેર જીવનમાં આવી પ્રવૃત્તિઓમાં સમય મેળવી શકતા નથી, પરંતુ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી વિસ્તારમાં રહેતા હોવાથી જળ, જંગલ અને જમીન સાથેનો નાતો ધરાવે છે, જેથી જંગલી પશુ, પ્રાણીઓના જીવની ચિંતા કરી તેઓ રેસ્ક્યૂની કામગીરી સફળતાપૂર્વક કરી શક્યા હતા.