બાળકોમાં નાની ઉંમરે જ ચશ્મા આવી જવાના પ્રમાણમાં છેલ્લા બે વર્ષમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો

Webdunia
સોમવાર, 23 મે 2022 (12:24 IST)
કોરોનાએ પગપેસારો કર્યો ત્યારથી પ્રત્યેક વ્યક્તિની જીવનશૈલીમાં કોઇને કોઇ પરિવર્તન આવી ગયું છે. ૨૭ મહિનાના આ સમયગાળામાં વર્ક ફ્રોમ હોમ, ઓનલાઇન એજ્યુકેશનથી લેપટોપ-મોબાઇલના ઉપયોગમાં વધારો થયો છે. જોકે, તેના વધારે પડતાં ઉપયોગથી ખાસ કરીને બાળકોમાં નાની ઉંમરે જ ચશ્મા આવી જવાના પ્રમાણમાં છેલ્લા બે વર્ષમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો નોંધાયો છે.

અગાઉ બાળકોમાં નાની વયે આંખોમાં નંબર આવે અને ચશ્મા પહેરવા પડે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળતું. જેમાં ખાસ કરીને મોટાભાગના એવા જ બાળકોને ચશ્મા આવતા જેમના પરિવારમાંથી કોઇને આંખના નંબર હોય. પરંતુ કોરોના બાદ આ સ્થિતિ બદલાઇ છે.  ડિજિટલ આઇ સ્ટ્રેઇનને કારણે બાળકોને આંખના નંબર આવવાના પ્રમાણમાં વધારો નોંધાયો છે.

ગત વર્ષે જારી કરવામાં આવેલા ઈન્ડિયન જર્નલ ઓફ ઓપ્થેમોલોજીમાં પણ એવું ચિંતાજનક તારણ સામે આવ્યું હતું કે ઓનલાઇન એજ્યુકેશનને કારણે ૫૦ ટકાથી વધુ બાળકો ડિજીટલ આઇ સ્ટ્રેઇનો સામનો કરી રહ્યા છે. હાલ ડોક્ટરો પાસે એવા પણ અનેક કેસ આવી રહ્યા છે જેમાં બાળકની ઉંમર માત્ર બે-ત્રણ વર્ષની હોવા છતાં ચશ્મા આવી ગયા છે. આ અંગે  એક ઓપ્થેમોલોજીસ્ટે જણાવ્યું કે, 'છેલ્લા બે વર્ષમાં બાળકોને નાની ઉંમરે જ ચશ્મા આવવાના પ્રમાણમાં અંદાજે ૧૫ થી ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.

બાળકોમાં વધતું જતું ચશ્માનું પ્રમાણ ચિંતાજનક છે. બાળકો અને મોટી ઉંમરના કે જેઓને સ્ક્રીન ટાઇમ આપવો પડતો હોય તેમણે નિયમિત અંતરે બ્રેક લઇને આંખને આરામ આપવો જોઇએ. મોબાઇલ કે કમ્પ્યુટરનો વધુ ઉપયોગ કરવાનો થતો હોય ત્યારે ૨૦-૨૦-૨૦નો નિયમ પાળવાની જરૃર છે. મતલબ કે, ૨૦ મિનિટના સ્ક્રીન ટાઇમ બાદ તમારાથી ૨૦ ફીટ દૂર હોય તેના પર ૨૦ સેકન્ડ જોવાનો પ્રયાસ કરવો જોઇએ. આ ઉપરાંત બાળકો દિવસ દરમિયાન ૧ કલાક ૨ કલાક આઉટડોર એક્ટિવિટિસ કરે તો તેમનામાં માયોપિયાને વધતો અટકાવી શકાય છે. '





સંબંધિત સમાચાર

Next Article