અરબી સમુદ્રમાં બે વિદેશી કાર્ગો જાહજ વચ્ચે જોરદાર ટક્કર, કોસ્ટગાર્ડની ટીમો મદદ માટે પહોંચી

Webdunia
શનિવાર, 27 નવેમ્બર 2021 (12:58 IST)
પોરબંદર નજીક મધદરિયે બે કાર્ગો જહાજ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દેવભૂમિ દ્વારકાના ઓખાથી 10 માઇલ દૂર અરબી સમુદ્રમાં બે વિદેશી કાર્ગો જાહજ વચ્ચે જોરદાર ટક્કર સર્જાઇ હતી.  ભારતીય સુરક્ષા એજન્સીની ટીમ સમયસર પહોંચી બંને જહાજના 43 ક્રૂ-મેમ્બરને બચાવી લીધા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઉપરાંત જહાજમાં રહેલા ઓઈલને કારણે જળ પ્રદૂષણ ન ફેલાય એ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
 
 
ઓખા નજીક અરબી સમુદ્રમાં બે શિપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જોકે કયા કારણસર આ બન્ને જહાજ વચ્ચે અકસ્માત થયો એ જાણી શકાયું નથી. આ ઘટનાને પગલે બન્ને જહાજ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની મદદ માગવામાં આવી હતી, જેને પગલે ભારતીય કોસ્ટગાર્ડની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
 
કોસ્ટ ગાર્ડના બે નાના જહાજો બચાવ કામગીરી માટે પહોંચ્યા હતા. હાલમાં કોસ્ટ ગાર્ડ દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે જેથી કરીને જહાજોમાંથી ઓઇલ લીક ન થાય. કોસ્ટ ગાર્ડની ટીમો સતત દેખરેખ હેઠળ છે, અન્ય કોસ્ટ ગાર્ડ જહાજને મદદ માટે મોકલવામાં આવી રહી છે. જહાજમાં સવાર તમામ ક્રૂ હવે સુરક્ષિત છે.કોસ્ટ ગાર્ડ દ્વારા રાહત બચાવ કામગીરી ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

Next Article